દહેજ (ગુજરાત): પ્રવાહી કુદરતી ગેસની ભારતની સૌથી મોટી આયાતકાર કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના નેટ પ્રોફિટમાં 9 ટકાનો વધારો નોંધાવ્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો રૂ. 855.74 કરોડ અથવા રૂ. 5.70 પ્રતિ શેર હતો. ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 785.73 કરોડ હતો.
કંપનીએ જણાવ્યું છે કે ગુજરાતના દહેજમાં પેટ્રોકેમિકલ પ્લાન્ટનું નિર્માણ કરવા માટે તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે રૂ. 20,685 કરોડના ઈન્વેસ્ટમેન્ટના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીનો પેટ્રોકેમિકલ પ્લાન્ટ તેના સૌથી મોટા એલએનજી ઈમ્પોર્ટ પ્લાન્ટની બાજુમાં જ ઊભો કરવામાં આવશે. તે વાર્ષિક 7,50,000 ટન પ્રોપેન ડાહાઈડ્રોજનેશન ઉત્પાદન પ્લાન્ટ અને 5,00,000 ટન પોલી-પ્રોપીલીન પ્લાન્ટ હશે. આ યોજનાથી પોલી-પ્રોપીલીન, પ્રોપીલીન, પ્રોપેન, હાઈડ્રોજન અને ઈથેનના વેચાણથી કંપનીને આવક થશે.