અમૂલ અને મધર ડેરીને ટક્કર આપવા સસ્તાં ડેરી પ્રોડક્ટસ સાથે મેદાનમાં પતંજલિ

નવી દિલ્હી- અમૂલ અને મધર ડેરી જેવી કંપનીઓ દ્વારા હાલમાં જ દૂધના ભાવમાં વધારો ઝીંકાયા બાદ યોગ ગુરુ બાબા રામદેવ તેમનાથી સસ્તાં ડેરી પ્રોડક્ટ્સ સાથે બજારમાં આવ્યાં છે. 27 મેના રોજ બાબા રામદેવે ટોન્ડ દૂધ, લસ્સી, છાસ અને દહીં પ્રોડક્ટ લોન્ચ કરી છે. રામદેવે કહ્યુ કે, તેમની કંપની તમામ મિલ્ક પ્રોડક્ટ્સ અન્ય કંપનીઓની પ્રોડક્ટ્સ કરતાં સસ્તી અને ગુણવત્તાના મામલે વધુ સારી હશે. દાવો છે કે, આ પતંજલિની આ પ્રોડક્ટ અમૂલ અને મધર ડેરી કરતા પાંચ રૂપિયા સસ્તી હશે. તો બીજી તરફ કંપનીએ ગાયના દૂધનું પનીર બજારમાં ઉતાર્યુ છે.

બાબા રામદેવે કહ્યું કે, તેમની ડેરી પ્રોડક્ટ્સની સપ્લાય હરિયાણા અને રાજસ્થાનથી કરશે. આગામી દિવસોમાં પતંજલિ હર્બલ મિલ્ક અને કુલ ક્રિમ મિલ્ક લોન્ચ કરશે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિને જ અમૂલે દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. મધર ડેરીએ પણ તેની મિલ્ક પ્રોડક્ટ્સનો ભાવવધારો કર્યો છે. આ સ્થિતિમાં પતંજલિનું સસ્તું ટોન્ડ દુધ અને અન્ય મિલ્ક પ્રોડક્ટ બજારમાં લોન્ચ થવાથી ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે.