નવી દિલ્હી- સરકાર હવે ખાનગી કંપનીઓને પણ સબસિડી ધરાવતાં LPG ગેસ સિલિન્ડર વેચવાની મંજૂરી આપી શકે છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ મુદ્દે ચર્ચા કરવા માટે સરકારે એક એક્સપર્ટ પેનલની રચના કરી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ માગ ઘણા લાંબા સમયથી કરી રહી છે. અત્યાર સુધી માત્ર સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ HPCL, BPCL અને ઈન્ડિયન ઓઈલ જેવી કંપનીઓ જ સબસિડી વાળા LPGનું વેચાણ કરી રહી છે.
ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી ચલાવે છે. જેમાંથી મોટા પ્રમાણમાં LPG ગેસ નીકળે છે. કંપની ઘણા વર્ષોથી ખાનગી કંપનીઓને સબસિડી વાળા ગેસ સિલિન્ડર વેચવાની મંજૂરી માટે પ્રયત્ન કરી રહી હતી.
સરકારી ઓઈલ કંપનીઓ ગ્રાહકોને બજાર ભાવે ગેસ સિલિન્ડર વેચે છે, જોકે પાછળથી સબસિડીની રકમ ગ્રાહકના બેંક ખાતામાં જમા થઈ જાય છે. પેટ્રોલિયમ મંત્રાલયની પેનલમાં ઈકોનોમિસ્ટ કિરીટ પરીખ, પૂર્વ પેટ્રોલિયમ સેક્રેટરી જીસી ચતુર્વેદી, ઈન્ડિયન ઓઈલના પૂર્વ ચેરમેન એમ એ પઠાણ, આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર એરોલ ડિસૂઝા અને પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીનો સમાવેશ થશે.
આ જ પેનલે હાલમાં જ નવા પેટ્રોલ પમ્પ નાખવા માટેના નિયમોમાં ઢીલ આપવાનું સૂચન કર્યું હતું. પેનલ દેશમાં ખાનગી સેક્ટરને એલપીજીની માર્કેટિંગ મંજૂરી પર પણ વિચાર કરી શકે છે. રિલાયન્સ ઘણા રાજ્યોમાં 10 લાખથી વધુ એલપીજી ગ્રાહકો ધરાવે છે. આ સાથે જ સમગ્ર દેશમાં તેના 2.65 કરોડ એલપીજી ગ્રાહકો છે.
સરકારની ઉજ્જવલા યોજનાને કારણે રાંધણ ગેસ સિલિન્ડરની માગમાં વધારો થયો છે. હાલમાં 2 કરોડ ગ્રાહકોને સબસિડી નથી મળી રહી. ભારતમાં વાર્ષિક 2.49 કરોડ ટન એલપીજીનું વેચાણ થાય છે. વિશ્વમાં આ મામલે ભારત બીજી સ્થાન પર છે.