બેંગ્લુરુ- દેશના મોટાભાગના મોબાઈલ વૉલેટ્સ માર્ચ મહિના સુધીમાં બંધ થાય તેવી શક્યતા છે. પેમેન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝ્યુક્યુટિવ્સને ડર છે કે, તમામ ગ્રાહકોના વેરિફિકેશન ફેબ્રુઆરી 2019 સુધીમાં પૂર્ણ નહીં થઈ શકે. હકીકતમાં રીઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ મોબાઈલ વૉલેટ કંપનીઓને ફેબ્રુઆરી 2019 સુધીમાં ગ્રાહકોનું વેરિફિકેશન પૂર્ણ કરવાની ડેડલાઈન આપી છે અને હવે મોબાઈલ વૉલેટ કંપનીઓને આશંકા છે કે આ ડેડલાઈન સુધીમાં તે વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ નહીં કરી શકે.
મહત્વનું છે કે, પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે મોબાઈલ વૉલેટ્સને રિઝર્વ બેન્કે ઓક્ટોબર 2017માં આ ગાઈડલાઈન્સ આપી હતી કે તેમની પાસે બધા જ ગ્રાહકોનું KYC હોવું જ જોઈએ.
સુત્રોના જણાવ્યા અનુસાર કંપનીઓ અત્યાર સુધી કુલ યુઝર્સમાંથી ઘણા ઓછા ગ્રાહકોનો ડેટા મેળવી શકી છે. જેથી દેશના 95 ટકા મોબાઈલ વૉલેટ્સ માર્ચથી બંધ થઈ જશે. સુપ્રીમ કોર્ટે આધાર ફરજિયાત ન હોવાનો ચુકાદો આપ્યા બાદ રિઝર્વ બેન્કે મોબાઈલ વૉલેટ્સને ગાઈડલાઈન્સ આપી હતી. રિઝર્વ બેન્કે જણાવ્યું કે કંપનીઓ ગ્રાહકોના પેપરલેસ વેરિફિકેશન માટે આધારના ડેટાબેઝનો ઉપયોગ ન કરી શકે.
અન્ય એક સુત્રના જણાવ્યા અનુસાર ઈ-કેવાયસી શક્ય નથી બની રહ્યું. આ અંગે અમને કોઈ સ્પષ્ટ સૂચના અપાઈ નથી. ડેડલાઈનને હવે થોડા જ અઠવાડિયા બાકી છે, આમ જોતા અમે ડેડલાઈન પહેલા આ કામ પૂરુ નહીં કરી શકીએ.
કંપનીઓએ ગ્રાહકોનું વેરિફિકેશન કરવાના જુદા જુદા આઈડિયા સૂચવ્યા છે પણ રિઝર્વ બેન્કે એક પણ મંજૂર કર્યા નથી. પેમેન્ટ ઈન્ડસ્ટ્રીના એક એક્ઝિક્યુટિવે કહ્યું કે, અમે 8 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યાં છીએ જે સંસદના શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે. જોઈએ આધાર બિલનું શું થાય છે. ત્યાર બાદ અમે રિઝર્વ બેન્ક સામે અમારો પક્ષ રજૂ કરીશું.
ઉલ્લેખનીય છે કે મોબાઈલ વૉલેટ્સને કારણે ચાર વર્ષ પહેલા ડિજિટલ પેમેન્ટમાં તેજી આવી હતી. અત્યારે આ સેગમેન્ટમાં ગણીગાંઠી કંપની બચી છે. રિઝર્વ બેન્કના આદેશ પછી PhonePe, Amazon Pay, Paytm જેવી અગ્રણી કંપનીઓએ ગ્રાહકોને KYC ડોક્યુમેન્ટ્સ આપવા જણાવ્યું હતું. PayTmને હવે બેન્કિંગ લાઈસન્સ પણ મળી ચૂક્યું છે. તેણે ફિલ્ડમાં પોતાના એજન્ટ્સ પણ ઉતાર્યા હતાં અને બાયોમેટ્રિક ડોંગલની મદદથી તેના યુઝર્સના બેન્ક ખાતા પણ ખોલાવવામાં સફળતા મેળવી હતી. એક અંદાજ પ્રમાણે Paytmએ 70 ટકા ગ્રાહકોના KYC મેળવી લીધા છે. પરંતુ બાકીની કંપનીઓ સફળતાથી આ કામ પૂરુ નથી કરી શકી. તેમને માર્ચ પછી મુશ્કેલી પડી શકે છે.