નવી દિલ્હી- દેશના દરેક પરિવારને સ્વચ્છ રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલથી ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો એલપીજી વપરાશકર્તા દેશ બની ગયો છે. પેટ્રોલિયમ સચીવ એમ એમ કુટ્ટીએ કહ્યું કે દેશમાં એલપીજીની માગ 2025 સુધીમાં 34 ટકા વધવાનું અનુમાન છે. એશિયા એલપીજી સંમેલનને સંબોધિત કરતાં કુટ્ટીએ જણાવ્યું કે, એલપીજી ગ્રાહકોની સંખ્યમાં વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. વર્ષ 2014-15માં .
એલપીજી ગ્રાહકોની સંખ્યા 14.8 કરોડ હતી, જે વર્ષ 2017-18માં વધીને 22.4 કરોડ થઈ ગઈ છે.
ગ્રામીણ વિસ્તારોમાં એલપીજીની ઉપલબ્ધતાને કારણે એલપીજી વપરાશમાં સરેરાશ 8.4 ટકાની વૃદ્ધિ થઈ છે. જેથી 2.25 કરોડ ટન એલપીજી સાથે ભારત વિશ્વનો બીજા ક્રમનો સોથી મોટો એલપીજી વપરાશ કરતા દેશ બની ગયો છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અનુમાન અનુસાર 2025 સુધીમાં એલપીજીનો વપરાશ વધીને 3.03 કરોડ ટન પર પહોંચી જશે. 2040 સુધીમાં આ આંકડો 4.06 કરોડ હશે. સરકાર દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી વપરાશ પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. ગ્રામીણ પરિવારો સામાન્ય રીતે પરંપરાગત ઈંધણ પર નિર્ભર રહેતા હોય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે નુકસાન કારક હોવાની સાથે પ્રદુષણમાં વધારો કરે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠલ અત્યાર સુધીમાં 6.31 કરોડ કનેક્શન આપવામાં આવ્યા છે. આ યોજના મે 2016માં શરુ કરવામાં આવી હતી.
પેટ્રોલિય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ઉજ્જવલા યોજના હેઠળ વર્ષ 2020 સુધીમાં દેશમાં 8 કરોડ ગેસ કનેક્શન આવાનું લક્ષ્ય છે. દેશના 90 ટકા પરિવારો સુધી એલપીજી પહોંચી ગયું છે. આ સંખ્યા 2014માં 55 ટકા હતી.