મુંબઈ – મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે ભારતમાં પોતાની અમુક મોડેલ રેન્જની કારની કિંમતમાં એણે વધારો કર્યો છે. આ વધારો આવતા મહિનાથી અમલમાં આવશે.
કંપની કઈ મોડેલની કારની કિંમત વધારવાની છે એની જાણકારી તેણે શેર કરી નથી.
આ કાર ઉત્પાદકે એટલું કહ્યું છે કે ઓટોમોટિવ પાર્ટ્સ પરની કસ્ટમ્સ ડ્યૂટીમાં ભારત સરકારે કરેલા વધારા, તે ઉપરાંત ઈંધણ પર લાદેલા અતિરિક્ત સેસ તથા એક્સાઈઝ ડ્યૂટીને કારણે પણ કારની કિંમતમાં વધારો કરવાની એને ફરજ પડી છે.
મર્સિડીઝ-બેન્ઝની અમુક કારની કિંમતમાં 3 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા ભારતમાં લક્ઝરી કારની અગ્રગણ્ય ઉત્પાદક છે.
કંપનીએ તેના ગ્રાહકો માટે સરળતાભર્યું બની રહે એ માટે સર્વિસ પેકેજીસ અને એક્સટેન્ડેડ વોરન્ટી પ્રોગ્રામ્સ પણ બહાર પાડ્યા છે. સ્ટારકેર પ્રોગ્રામ અંતર્ગત ત્રણ વર્ષ સુધી વોરન્ટેબલ રિપેર્સ કોઈ પણ માઈલેજ મર્યાદા વિના મફતમાં કરી આપવામાં આવશે. દરેક મર્સિડીઝ કારની ખરીદી પર આ સ્ટાન્ડર્ડ સુવિધા આપવામાં આવશે.