નવી દિલ્હી- રીલાયન્સ રિટેલ અને વોલમાર્ટ જેવી મોટી રીટેલ કંપનીઓ નાની કરિયાણા દુકાનોને પોતાની સાથે જોડવાના પ્રયત્નોમાં લાગી છે. આ કંપનીઓએ નાના દુકાનદારો સામે હવે પોઈન્ટ ઓફ સેલ્સ (POS) મશીનની લાલચ આપવાનું શરુ કરી દીધું છે. રીલાયન્સ રીટેલ કેટલાક મહિનાઓથી અમદાવાદમાં 1200 કિરાણા દુકાનો સાથે પીઓએસને લઈને એક ટેસ્ટ પ્રોજેક્ટ ચલાવી રહી છે. તો બીજી તરફ લખનઉમાં નાની દુકાનો સાથે વોલમાર્ટ ‘કિરાણા ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ ના નામથી પાયલટ પ્રોજેક્ટ ચલાવી રહી છે. જેમાં અમેરિકન કંપની તેમના પીઓએસનો ઉપયોગ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં વિશ્વની સૌથી મોટી રિટેલ કંપનીએ શહેરના 500 સ્ટોર્સને આ પ્રોગ્રામ સાથે જોડવાની યોજના બનાવી છે. વોલમાર્ટની હરીફ અને જર્મનીની મેટ્રો કેશ એન્ડ કેરીએ પણ બેગ્લુરુ અને હૈદરાબાદમાં એક વર્ષ પહેલા 100 દુકાનો પર તેમનો પીઓએસ પાયલટ પ્રોજેક્ટ શરુ કર્યો હતો.
રીલાયન્સ અને વોલમાર્ટના પીઓએસનો ઉપયોગ બારકોડ સ્કેનિંગ, બિલિંગ અને પ્રિન્ટ આઉટ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરવા, વોલમાર્ટ કે રિલાયન્સના કેશ એન્ડ કેરી સ્ટોર્સ પરથી જથ્થાબંધ ઓર્ડર આપવા અને નાન ધંધાર્થીઓને જીએસટી કેલક્યુલેશન માટે પણ કરી શકાય છે.
ભારતના રિટેલ માર્કેટમાં બજાર પર કબજો કરવા માટે હવે પીઓએસ મશીનને હથિયારના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટી રિટેલ કંપનીઓનું માનવું છે કે, ટચ સ્ક્રીન પીઓએસની મદદથી કરિયાણા દુકાનોને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં મદદ મળશે અને આ પ્રકારના પ્રોગ્રામથી તેમને આ ખર્ચનો બોજ પણ નહીં ઉઠાવવો પડે.
રીલાયન્સ ટૂંક સમયમાં જ હાઈ પ્રોફાઈલ ઈ-કોમર્સ વેન્ચર શરુ કરવા જઈ રહી છે. તે કંપનીના ઓફલાઈન સ્ટોર્સને જિઓના ડિજિટલ નેટવર્ક સાથે જોડવાની કોશિશ કરી રહી છે. કંપની કરોડો કરિયાણા દુકાનોને બિઝનેસ પાર્ટનર બનાવવા ઈચ્છે છે. અને આનો ઉપયોગ ડિલિવટી એજન્ટ્સના રૂપમાં કરવા માગે છે.