કોલકાતા: રિલાયન્સ જિઓ ઈન્ફ્રાટેલે બેન્ક લોન, વેન્ડર્સને ચૂકવવાના બાકી પેમેન્ટ સહિતની નોંધપાત્ર રકમની ચૂકવણી કરવાની હોવાથી 10,000 કરોડનું લોંગ-ટર્મ ડેટ મેળવે તેવી શક્યતા છે. બ્રૂકફિલ્ડની આગેવાની હેઠળનું કોન્સોર્ટિયમ ટૂંક સમયમાં આ કંપનીનો સંપૂર્ણ અંકુશ મેળવી લેશે કારણ કે, તેના સોદાને નિયમનકારી મંજૂરીઓ મળવાની પ્રતીક્ષા છે અને સોદા બાદ તે ભંડોળ મેળવવાની પ્રક્રિયામાં આગળ વધશે.
બ્રૂકફિલ્ડ દ્વારા રિલાયન્સ જિઓ ઈન્ફ્રાટેલની માલિકીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટમાં 25,215 કરોડના સૂચિત રોકાણનો અને અપેક્ષિત નવા ઋણનો ઉપયોગ ટાવર કંપનીની 36,500 કરોડની જવાબદારી ચૂકવવા માટે થશે. તેની જવાબદારીમાં બેન્ક પાસેથી લીધેલું ધિરાણ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી લીધેલી લોન અને વેન્ડરને ચૂકવવાની થતી રકમનો સમાવેશ થાય છે.
બેન્ક ઓફ અમેરિકા-મેરિલ લિન્ચ (BoA-ML)એ તેના ક્લાયન્ટ્સને લખેલી નોટમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ જિઓ ઈન્ફ્રાટેલની માલિકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટની છે અને તેનો અંકુશ બ્રૂકફિલ્ડને મળી જશે ત્યારબાદ આ ટ્રસ્ટ 10,000 કરોડની વધારાની મૂડી એકત્ર કરશે અને ટાવર કંપનીની લાયેબિલિટીઝની ચૂકવણી કરવા માટે તેનો ઉપયોગ કરશે.
બ્રોકરેજ IIFL ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના અંદાજ પ્રમાણે, રિલાયન્સ જિઓ ઈન્ફ્રાટેલની 36,500 કરોડની લાયેબિલિટીઝમાં 11,000 કરોડની બેન્ક લોન, 11,800 કરોડની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી લીધેલી લોન અને 13,700 કરોડની અન્ય લાયેબિલિટીઝનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમે ગયા સપ્તાહે જિઓ ઈન્ફ્રાટેલને ખરીદવા માટે સહમતિ સાધી હતી અને આ સોદો મલ્ટિ-સ્ટેજમાં પૂરો કરવાના કરાર કર્યા હતા. 1,70,000 ટાવર ધરાવતી જિઓ ઈન્ફ્રાટેલ ભારતની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની છે. આ સોદો પૂરો થયા બાદ ટેલિકોમ ટાવર કંપનીનો 100 ટકા હિસ્સો બ્રૂકફિલ્ડ અને તેના પાર્ટનર્સનો થઈ જશે.