નવી દિલ્હી- ભારતે ચીનના બજારમાં પોતાના કૃષિ ઉત્પાદનોની પહોંચ વધારવા અને દવાઓની નિકાસને પ્રોત્સાહ આપવા માટે રણનીતિ તૈયાર કરી છે. સાથે ભારતે અમેરિકા-ચીન ટ્રેડવોરને ધ્યાનમાં રાખતા ચીન પાસેથી પોતના મેન્યુફેક્ચરિંગ બેઝને હટાવવાની ઈચ્છા રાખતી વિદેશી કંપનીઓને લલચાવવા માટે એક ખાસ રણનીતિ તેયાર કરવામાં આવી. વિભાગ દ્વારા તૈયાર કરેલા રણનીતિક દસ્તાવેજોને સેન્ટ્રલ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રધાન સુરેશ પ્રભુને સોપવામાં આવ્યાં છે.
કેન્દ્રીય વાણિજ્ય વિભાગના આ રણનીતિક દસ્તાવેજોનો ઉદેશ્ય ચીન સાથે વેપારખાધ ઓછી કરવા ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, ઈલેક્ટ્રિકલ સાધનો અને ફાર્માસ્યૂટિકલ્સની આયાતનો વિકલ્પ શોધવા માટે વિસ્તાર મુજબ રણનીતિ તૈયાર કરવાનો છે. ચીનની સાથે ભારતની વેપારખાધ નાણાંકીય વર્ષ 2018માં રેકોર્ડ 63.04 અબજ ડોલર રહી.
2017માં જ શરુ થઈ હતી રણનીતિ પર કામગીરી
સપ્ટેમ્બર 2017માં મંત્રાલયની કામગીરી સંભાળ્યા બાદ જ સુરેશ પ્રભુ ચીન સાથે વેપારખાધ ઘટાડવાને લઈને રણનીતિ તૈયાર કરવા પર કામ કરી રહ્યા હતાં. આ રણનીતિનો ઉદ્દેશ્ય ચીનમાં નિકાસ વધારવા અને લોકલ મેન્યુફેક્ચરિંગ મારફતે આયાત ઓછી કરવાનો છે.
ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના વિચારોનો હવાલો આપતા દૂરસંચાર વિભાગે કહ્યું કે, ચીન ભારતીય કંપનીઓ સાથે અનેક પ્રકારના ભેદભાવ કરી રહ્યું છે. ઉદ્યોગને પ્રિન્ડેટ સર્કિટ બોર્ડ અને કેમેરા મોડયૂલની લોકલ મેન્યુફેક્ચરિંગ તથા ક્ષેત્ર માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફંડ તેયાર કરવા સૂચન કર્યું છે.
ઓટો કોમ્પોનેન્ટ્સ માટે દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, યૂરોપિય સંધ તેમજ અમેરિકાની ગુણવત્તાને ટક્કર આપનાર સ્ટાન્ડર્ડ અને કોમન ટેસ્ટિંગ ફેસેલિટીની સ્થાપનાથી સ્થાનીય ઉત્પાદનને મજબૂતી મળશે.
દસ્તાવેજો મુજબ, પોતાની વિપુલ જનસંખ્યા સાથે ભારત ચીનમાંથી પોતાનો મેન્યુફેક્ચરિંગ બેઝ હટાવવા ઈચ્છતી કંપનીઓ માટે મહત્વનો વિકલ્પ છે. સાથે જ ભારતમાં નિર્માણકાર્ય વધારવાને લઈને મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની ઈચ્છા રાખતી ચીની કંપનીઓ માટે પણ આ મહત્વનું સ્થળ છે. ઇલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર એપ્લાયન્સિસ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઈલ્સ, હેલ્થકેર ઇક્વિપમેન્ટ અને હેવી ઉદ્યોગો જેવા ક્ષેત્રોની કંપનીઓ પોતાના ચીન સ્થિત મેન્યુફેક્ચરિંગ એકમોને ભારતમાં સ્થળાંતરીત કરી શકે છે.વિભાગના જણાવ્યા મુજબ, ચીનમાં ભારતીય દવા કંપનીઓએ નિયમનકારી અવરોધોનો સામનો કરવો પડે છે અને તેમને ડ્રગ નોંધણી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. તેઓને રજિસ્ટ્રેશન સમયે જ વિસ્તૃત રીતે ક્લિનિકલ ટ્રાયલ ડેટા સુપરત કરવા અને ડ્રગ ફોર્મ્યુલેશન પ્રક્રિયા જાહેર કરવા માટે કહેવામા આવે છે.