લંડનઃ એસબીઆઈના નેતૃત્વમાં ભારતીય સરકારી બેંકોના એક સમૂહે બ્રિટનની સુપ્રીમ કોર્ટને વિજય માલ્યાને આશરે 1.145 અબજ પાઉન્ડનું ઋણ ન ચૂકવવાના આરોપમાં નાદાર જાહેર કરવાનો આદેશ આપવાની ફરીથી એકવાર અપીલ કરી છે. લંડનમાં સુપ્રીમ કોર્ટની આને લગતી શાખામાં જજ માઈકલ બ્રિગ્સે આ સપ્તાહે સુનાવણી કરી. તેઓ બેંકોની 2018 ની એ અરજી પર સુનાવણી કરી રહ્યા હતા કે જેમાં હવે બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સ દ્વારા લેવામાં આવેલા ઋણને ચૂકવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ પહેલા આપેલા એન નિર્ણયમાં દુનિયાભરમાં માલ્યાની સંપત્તિની લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવવાના આદેશને પલટવાનો ઈનકાર કરી દીધો હતો અને ભારતની એક કોર્ટના એ નિર્ણયને પૂર્વવત રાખ્યો હતો કે 13 ભારતીય બેંકોનું સમૂહ આશરે 1.145 અબજ પાઉન્ડના ઋણની ભરપાઈ કરવા માટે અધિકૃત છે. ત્યારબાદ બેંકોએ સંપત્તિ જપ્ત કરવાના આદેશ તરીકે ભરપાઈની કવાયત શરુ કરી.
આની જ અંતર્ગત ઋણની ભરપાઈ કરવા માટે બ્રિટનમાં માલ્યાની સંપત્તિને જપ્ત કરવાની અપીલ કરતા નાદારીની અરજી દાખલ કરી. એસબીઆઈ સીવાય બેંકોના આ સમૂહમાં બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક લિમિટેડ, આઈડીબીઆઈ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મૂ એન્ડ કાશ્મીર બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, યૂકો બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને જેએમ ફાઈનાન્શિયલ એસેટ રિકંસ્ટ્રક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.