મુંબઈઃ ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ સંસ્થાએ ભ્રષ્ટાચારના દૂષણથી ગ્રસ્ત થયેલા દેશો માટે નવા ‘કરપ્શન ઈન્ડેક્સ’ની જાહેરાત કરી છે. 180 દેશોની યાદીમાં ભારત 86મા નંબરે મૂકાયું છે. જુદા જુદા 13 પ્રકારના ભ્રષ્ટાચાર સર્વેક્ષણો અને મૂલ્યાંકનોના આધારે આ ઈન્ડેક્સ અને રેન્ક્સ તૈયાર કરવામાં આવ્યા છે. વર્લ્ડ બેન્ક અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ જેવી નામાંકિત સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવેલી માહિતીના આધારે આ ઈન્ડેક્સ તૈયાર કરાયો છે.
ભારતનો ‘કરપ્શન પર્સેપ્શન્સ ઈન્ડેક્સ’ સ્કોર 100માંથી 40 પોઈન્ટ્સ અથવા માર્કનો રહ્યો છે. ઈન્ડેક્સમાં અત્યંત ભ્રષ્ટ દેશને ‘0’ અપાયો છે જ્યારે અત્યંત સ્વચ્છ દેશને ‘100’ માર્ક અપાયા છે. 2019માં ઘોષિત ઈન્ડેક્સમાં ભારતનો સ્કોર 39 હતો.
ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ અને ફિનલેન્ડ 88 પોઈન્ટ મેળવીને પહેલા ત્રણ નંબરે છે. ટોપ-10ની યાદીના અન્ય દેશો છેઃ સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, નોર્વે, નેધરલેન્ડ્સ, સિંગાપોર, જર્મની અને લક્ઝમબર્ગ. બ્રિટન 78ના સ્કોર સાથે 11મા નંબરે છે. પાકિસ્તાનની રેન્ક 124મી છે. યાદીમાં સૌથી તળિયાના સ્થાને છેઃ સાઉથ સુડાન, સિરીયા અને સોમાલિયા.