નવી દિલ્હીઃ હોમ લોન આપનારી દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન એટલે કે ડીએચએફએલને 2018-19ના ચોથા ત્રિમાસીક ગાળામાં 2,223 કરોડ રુપિયાની શુદ્ધ ખોટ થઈ છે. કંપની પર બેંકો અને રોકાણકારોના 1 લાખ કરોડ રુપિયાની આસપાસ દેણદારી છે.
કોઈ ત્રિમાસીક ગાળામાં આ કંપનીને થયેલી આજ સુધીની સૌથી મોટી ખોટ છે. આપને જણાવી દઈએ કે કંપની ગત નાણાકિય વર્ષના બીજા છમાસીક ગાળાથી ભારે નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. દેવાના બોજ તળે દબાયેલી ડીએચએફએલને આ પહેલા 2017-18ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસીક ગાળામાં 134.35 કરોડ રુપિયાનો નફો થયો હતો.
ડીએચએફએલે કહ્યું છે કે કંપની ફાઈનાન્સની ક્ષમતા ખૂબ ઓછી થઈ ગઈ છે અને વ્યાપાર ઠપ્પ છે. આ ઘટનાક્રમોએ કંપનીની આગળ પણ વ્યાપાર ચાલુ રાખવાની ક્ષમતા પર ગંભીર સંકટ ઉભુ કરી દીધું છે. કંપનીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2018 બાદ ઋણ વિતરણ અને ઋણ વૃદ્ધિમાં સુસ્તીથી આ ત્રિમાસીક ગાળામાં કંપનીની હાલત અત્યંત ખરાબ થઈ છે.
આ જ કારણે કંપનીના આખા વર્ષના પર્ફોર્મન્સ પર અસર પડી છે. કંપનીએ કહ્યું કે 2018-19ના ચોથા ત્રિમાસીક ગાળામાં 3,280 કરોડ રુપિયાની રકમનું વધારે પ્રાવધાન કરવું પડ્યું છે. આના કારણે કંપનીને ચોથા ત્રિમાસિક ગાળામાં 2,223 રુપિયાની શુદ્ધ ખોટ અને આખા નાણાકિય વર્ષમાં 1,036 કરોડ રુપિયાની શુદ્ધ ખોટ થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડીએચએફએલના પ્રમોટર પ્રાઈવેટ કંપનીઓ સાથે વાતચિત કરી રહ્યા છે અને તેમને આશા છે કે તેઓ પોતાની 50 ટકા હોલ્ડિંગને વેચીને એક અબજ ડોલર રુપિયા એકત્ર કરી લેશે. કંપનીના પ્રમોટર બાધવાન પરિવારની પાસે વર્તમાનમાં 40 ટકા ભાગીદારી છે.