નવી દિલ્હી- મોબાઈલ કંપનીઓ તેમના ગ્રાહકો સુધી સ્માર્ટફોન પહોંચાડતા પહેલા અનેક પ્રકારના પ્રોટોટાઇપ તૈયાર કરતી હોય છે, જેના પર જૂદા જૂદા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રોટોટાઇપ મોડલોમાં ફાઈનલ પ્રોડક્ટ કરતા થોડા ઘણા ફેરફારો હોય છે. હાલમાં જ હોંગકોંગની મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ બનાવતી કંપની હુઆવેઈની સબ બ્રાન્ડ હોનર (Honor)નું પ્રોટોટાઈપ મોડલ ગૂમ થઈ ગયું છે. આ સ્થિતિમાં કંપનીએ જાહેરાત કરી છે કે, જે કોઈ પણ વ્યક્તિ આ મોડલ શોધીને આપશે તેને ઈનામ તરીકે 4 લાખ રૂપિયા આપવામાં આવશે.
ફોન અરીનાનાં એક રિપોર્ટ અનુસાર હોનરના માર્કેટિંગ કર્મચારી મોરિત્ઝે શેઈડલ જર્મનીનાં ડસલડોર્ફથી મ્યુનિકનો પ્રવાસ કરી રહ્યાં હતાં. તેમની બેગમાં તેમની સાથે હોનર ફોન (જે 21 મે ના રોજ લંડનમાં લોન્ચ થઈ શકે છે)નું એ જ પ્રોટોટાઈપ મોડલ હતું. થોડા સમય પછી જ્યારે તેઓ ઘરે પહોંચ્યા અને તેમણે ફોન ચાર્જ કરવા માટે બેગ ખોલી તો પ્રોટોટાઈપ મોડલ ગાયબ હતું.
કંપનીએ જર્મન ટ્વીટર હેન્ડલ પરથી આ મામલે ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, મહેરબાની કરીને અમારી મદદ કરો. de.support@hihonor.com પર સંપર્ક કરો અથવા તો જર્મનીની પ્રાઈમરી રેલવે કંપની ડચ બાહનના કોઈ કર્મચારીનો સંપર્ક કરો. સોમવારે (22 એપ્રિલ 2019)ના રોજ હોનરના એક કર્મચારી આઈસીઈ 1125માં મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે તેનાથી હોનર પ્રોટોટાઈપ સ્માર્ટફોન ખોવાઈ ગયો છે. આ મોડલ પ્રોટેક્ટિવ ગ્રે બેગમાં હતો અને તેમનો કેમેરો પણ શટરથી ઢાંકેલો હતો. કૃપા કરીને અહીં જણાવેલા આઈડી પર આ અંગેની કોઈ પણ જાણકારી આપવા વિનંતી.
એટલું જ નહીં, કંપની મદદ કરનાર વ્યક્તિને પાંચ હજાર યૂરો એટલે કે, અંદાજે 4 લાખ રૂપિયા આપવા તૈયાર છે. મહત્વનું છે કે, લંડનમાં આગામી 21 મેના રોજ હોનરનો એક ફોન લોન્ચ થવાનો છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, લોન્ચ થનાર મોડલ કયું હશે. પરંતુ હાલ માર્કેટમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, લોન્ચ થનાર મોડલ હોનર 20 પ્રો હશે.