નવી દિલ્હી- રિયલ એસ્ટેટ કંપનીઓમાં અગ્રણી એસોસિએશન રીયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ક્રેડાઈ) કશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હૂમલામાં શહીદ થયેલ સીઆરપીએફના જવાનોના પરિવારોને બે રૂમના (ટુ બીએચકે) ઘર આપશે. ક્રેડાઈના અધ્યક્ષ જે શાહે સોમવારે આ અંગેની જાણકારી આપી હતી.
શાહે વધુમાં કહ્યું હતું કે શોકમાં ડૂબેલા પરિવારોના સમર્થન માટે ક્રેડાઈએ શહીદોને તેમના રાજ્ય અને શહેરમાં બે રૂમનું એક ઘર આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે એસોસિએશનના તમામ 12,500 સભ્યો દુઃખી પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યા છે. ક્રેડાઈ ભારતમાં ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપર્સનું અગ્રણી સંગઠન છે. દેશભરમાં 23 રાજ્યોમાં અને 203 શહેરમાં 12,000થી વધુ કંપનીઓ સામેલ છે.
અત્રે નોંધનીય છે કે પુલવામામાં શહીદ થયેલ 40 જવાનોના પરિવારોને મદદ માટે દેશભરમાંથી લોકો સામે આવી રહ્યા છે. આમ લોકોની સાથે ફિલ્મ, રમત જગતના લોકો પણ જવાનોના પરિવારોની મદદે આગળ આવ્યા છે. ઑનલાઈન મદદ એટલી બધી આવી કે ભારતે કે વીર વેબસાઈટ કેટલાય વાર ક્રેશ થઈ ગઈ. તે ઉપરાંત ફિલ્મી જગતમાંથી અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અક્ષયકુમાર અને ઉરીની આખી ટીમ આર્થિક મદદની જાહેરાત કરી ચુકી છે.
રમતજગતમાંથી વિરેન્દ્ર સેહવાગ, વિજેન્દર સિંહ પણ તેમના તરફી સહાયતા કરવાની જાહેરાત કરી છે. સમાચારો એવા પણ આવ્યા છે કે પુલાવામાના શહીદોના પરિવારોને મદદ કરવા માટે બાળકોએ પોતાની નાની બચત માટેના ગલ્લા તોડી નાંખ્યા છે અને સીનીયર સીટીઝનોએ પોતાનું પેન્શન દાનમાં આપી દીધું છે.