અમદાવાદઃ ફોરેક્સ માર્કેટમાં ભારતીય રૂપિયો ડોલર સામે વધુ નબળો પડ્યો હતો અને ગુરુવારે જ ડોલર સામે 75ની સપાટી પાર કરી ગયો હતો અને આજે કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં અને સ્થાનિક શેરબજારમાં મંદી વધુ વકરતાં રૂપિયો વધુ નબળો પડ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે કહ્યું હતું કે બજારમાં ટ્રેડ કરતા પાર્ટિપન્ટ દેશમાં સતત કોરોના વાઇરસના કેસ વધીને 169 થતાં સાવચેતી દાખવી રહ્યા છે. તેમણે અર્થતંત્ર ઓર નબળું પડશેની ભીતિ દર્શાવી હતી.
ઇન્ટરબેન્કફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 74.96ના મથાળે ખૂલ્યો હતો અને 75.12ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. જે ગઈ કાલના બંધથી 86 પૈસા નબળો પડ્યો હતો. ડોલર સામે રૂપિયો 74.26ના મથાળે બંધ રહ્યો હતો. ટ્રેડર્સે કહ્યું હતું કે રોકાણકારોમાં વિશ્વવ્યાપી કોરોના વાઇરસથી વૈશ્વિક તેમ જ સ્થાનિક અર્થતંત્ર પ્રત્યે ગભરાટ ફેલાયો છે. આ વાઇરસથી આશરે 9000 લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લાખ લોકો ચેપગ્રસ્ત થયા છે.
બીજી બાજુ સ્થાનિક શેરબજારમાં મંદી ફરી વળી છે અને વિદેશી ફંડો સતત તેમનું રોકાણ પરત ખેંચી રહ્યા છે, જેથી સેન્ટિમેન્ટ વધુ નરમ બન્યું છે. ફોરેન ફંડો ભારતીય મૂડીબજારોમાં સતત તેમનું મૂડીરોકાણ પાછું ખેંચી રહ્યા છે. તેમણે ગઈ કાલે રૂ. 5,085.35 કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ પાછું ખેંચ્યું હતું એમ માર્કેટ ડેટા કહે છે.