મુંબઈ – નાણાપ્રધાન દ્વારા રજૂ કરાયેલા વચગાળાના બજેટનો મુખ્ય હેતુ વોટ ઓન એકાઉન્ટ લેવાનો હતો. પરંતુ મોદી સરકારે આ ઈવેન્ટને લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક તક તરીકે ગણી અને સરકારી ખજાનામાંથી લગભગ 1,00,000 કરોડની લહાણી કરવાની જાહેરાત કરી હોવાનું લાગે છે એવું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલીપ વી. લખાણી કહે છે.
મોદી સરકારની પોપ્યુલારિટી ઘટી રહી છે એવું લોકોનું માનવું છે. ખેડૂતો તથા મિડલ ક્લાસ વર્ગને છેલ્લા ચાર વર્ષમાં ખાસ ફાયદો થયો નથી. આવા સંજોગોને ધ્યાનમાં લઈ નાણાપ્રધાને નાના ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000ની ફાળવણીની જાહેરાત કરી ચાલુ વર્ષે રૂ. 20,000 કરોડ અને આવતા વર્ષે રૂ. 75,000 કરોડનો ખર્ચ થશે એવું કહ્યું છે. આવકવેરા ધારા હેઠળ રૂ.5,00,000 સુધી કર લાગશે નહીં, જેમાં રૂ.18,500 કરોડનું નુકસાન સરકારને થશે. જો કે નાણાપ્રધાને હોંશિયારીથી કલમ 70માં સુધારો કર્યો છે, જેની આવક રૂ.5,00,000થી વધુ હોય તેને કોઈ ફાયદો થશે નહીં.
હાઉસિંગ માટે રાહત
બિલ્ડર લોબીને પણ નાણાપ્રધાને બે ફાયદા કરી આપ્યા છે. એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટેની સમય મર્યાદા 3-3-2019 હતી તે વધારીને 3-3-2020 કરવામાં આવી છે. બિલ્ડરો પાસે જો ન વેચાયેલો માલ હોય તો પ્રોજેક્ટ પૂરા થયા પછીના એક વર્ષ પછી ન વેંચાયેલ ફ્લેટો પર આવકવેરો ભરવો પડે આ સમય મર્યાદા એક વર્ષથી વધારીને બે વર્ષની કરવામાં આવી છે.
કોઈપણ આસામી પાસે એકથી વધુ ઘર હોય તો એક ઘર સેલ્ફ ઓક્યુપાઈડ ગણાય અને બીજું ઘર ભાડા પર આપ્યું છે તેમ ગણવામાં આવે અને આવકવેરો ભરવો પડે. હવે તે ઘર પર કોઈ વેરો ભરવો નહીં પડે.
પગારદાર આસામીને સ્ટાન્ડર્ડ ડીડક્શન રૂ.40,000 હતું તે વધારીને રૂ.50,000 કરી આપ્યું છે. પરંતુ જેની આવક રૂ.5,00,000 સુધી છે તેને કોઈ ફાયદો થશે નહી. એક ઘર વેંચીને કેપીટલ ગેઈન રૂ.2 કરોડ સુધી થયો હોય તો હવે આસામી બે ઘર લઈ શકશે અને કેપીટલ ગેઈન ટેક્ષ ભરવાની જવાબદારી નહીં આવે . આજ સુધી ફક્ત એક જ ઘરમાં રોકાણ થઈ શકતું હતું.
આવક –જાવકનો હિસાબ જોતા એમ લાગે છે કે નાણા પ્રધાને નાણાં ઊભા કરવા માટે રિઝર્વ બેંક પાસેથી ડિવિડંડ પેટે વધુ મદાર રાખ્યો હોવાનું પ્રતિત થાય છે. આ ઉપરાંત જાહેર સાહસોના શેરોના વેચાણમાંથી ઊંચી રકમ આવશે એવી ગણતરી પણ છે. સરકાર ફીસ્કલ ડેફીસીટ નહીં વધારે તેમ પણ જણાવ્યું છે.