મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નાયબ ગવર્નર ટી. રવિશંકરે કહ્યું છે કે ખાનગી ક્રિપ્ટોકરન્સીઓ પર પ્રતિબંધ મૂકવાનો કેન્દ્ર સરકારે લીધેલો દેશ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નિર્ણય દર્શાવે છે કે ભારત સરકાર સંપત્તિઓના રક્ષણ માટે દ્રઢ વલણ ધરાવે છે.
રવિશંકરે ઈન્ડિયન બેન્ક એસોસિએશન બેન્કિંગ ટેક્નોલોજી એવોર્ડ્સ કાર્યક્રમમાં બેન્ક મેનેજરોને સંબોધિત કરતાં કહ્યું હતું કે 20મી સદીમાં જે સૌથી બદનામ થઈ હતી તે પોન્ઝી યોજનાઓ કરતાં પણ બદતર ક્રિપ્ટોકરન્સીઓ બની શકે છે. ક્રિપ્ટોઝ તો માત્ર જુગાર રમવાના સાધનો જ છે. તે દેશના આર્થિક સાર્વભૌમત્વ પર ખતરો ઊભો કરે છે. ખાનગી કંપનીઓ આવી કરન્સીઓ તૈયાર કરીને પોતાની મરજીની સરકારો બનાવે છે જેથી બધો કન્ટ્રોલ પોતાના હાથમાં રહે. આ તેમની વ્યૂહાત્મક હેરાફેરી-દગાબાજી છે. આ બધા પરિબળો પર વિચારણા કર્યા બાદ કેન્દ્ર સરકાર એવા નિષ્કર્ષ પર આવી કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો એ ભારત માટે શ્રેષ્ઠ સલાહભર્યો વિકલ્પ છે.