નવી દિલ્હીઃ અનિલ અંબાણીની કંપની રીલાયન્સ ઈન્ફ્રાને મહારાષ્ટ્ર સરકાર પાસેથી 7 હજાર કરોડ રુપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. રિલાયન્સ ઈન્ફ્રા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કંપનીને આ કોન્ટ્રાક્ટ મુંબઈમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનથી વરસોવા-બાંદ્રા સીલિંંક પ્રોજેક્ટ માટે મળ્યો છે. આશરે 17.17 કિલોમીટરનો આ પ્રોજેક્ટ રિલાયન્સ ઈન્ફ્રાને 60 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે.
કંપનીનું કહેવું છે કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વરસોવા-બાંદ્રા સીલિંકથી યાત્રાનો સમય 90 મીનિટથી ઘટીને 10 મીનિટ જ રહી જશે. આ બાંદ્રા-વર્લી સીલિંકથી ત્રણ ગણી વધારે લાંબી પરિયોજના છે. આપને જણાવી દઈએ કે બાંદ્રા-વર્લી સીલિંકની લંબાઈ 5.6 કિલોમીટર છે. રિલાયન્સ ઈન્ફ્રાના સીઈઓ પુનિત ગર્ગે કહ્યું કે આ પરિયોજના ભારતમાં રિલાયન્સ ઈન્ફ્રાને આગળ વધારશે. અમે આના માટે અસ્તાલ્દી S.p.A સાથે ભાગીદારી કરી છે. આ બ્રિજ કન્સ્ટ્રક્શન મામલે દુનિયાની ત્રીજી સૌથી મોટી કંપની છે.
આ પહેલા માર્ચ મહિનામાં રિલાયન્સ ઈન્ફ્રાને ગુજરાતના રાજકોટમાં હીરાસરમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનો પણ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આના પર 648 કરોડ રુપિયાના ખર્ચનું અનુમાન છે. રિલાયન્સ ઈન્ફ્રાને 30 મહિનાની અંદર એરપોર્ટના આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો રહેશે.
આપને જણાવી દઈએ કે અનીલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની અલગ-અલગ કંપનીઓ પર આશરે 1 લાખ કરોડ રુપિયાનું દેવું છે. માર્ચ 2018ના આંકડાઓ અનુસાર રિલાયન્સ ગ્રુપના રિલાયન્સ કેપિટલ પર 46, 400 કરોડ રુપિયાનું દેવું છે. જ્યારે આરકોમ 47 હજાર 234 કરોડ રુપિયાના દેવામાં ડુબેલું છે. આ જ પ્રકારે રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ ઈન્ફ્રાનું કુલ દેવું 36 હજાર કરોડ રુપિયા છે. આ સીવાય રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડ રુપિયાથી વધારેનું દેવું છે.