નવી દિલ્હી: આજના જમાનાની જરુરિયાત છે કે તમારી પ્રતિભા શ્રેષ્ઠ હોય પરંતુ તેને આગવી ઢબે પેશ કરવામાં આવે.આ જાણતાં રોશન બેદ (46) અને રવીશ નંદા (45)એ બે વર્ષ પહેલા સ્પોર્ટ્સ વિયર કંપની બનાવવાનો નિર્ણય કર્યો. પરંતુ તે ઈચ્છતાં હતાં કે, આ કંપની અન્ય કરતાં અલગ હોય. તેમણે Alcis Sports નામની એક કંપની બનાવી આ કંપની ઉચ્ચ ગુણવત્તા અને પરવડે તેવી કિંમતે કપડા બનાવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ કપડાંઓની ખાસિયત એ છે કે, આને પ્લાસ્ટિકની બોટલોને રીસાયકલ કરીને તૈયાર કરવામાં આવે છે. આ રીતે પર્યાવરણ અને સમાજ બંનેને ફાયદો થાય છે.
આ ઘરેલુ કંપની અલગ અલગ કેટેગરીમાં લોકો માટે સ્પોર્ટ્સ વિયર બનાવે છે. જેમાં રનિંગ, ટ્રેનિંગ, યોગ, બરફમાં રમાનારી ગેમ્સ વગેરે કેટેગરીના કપડાનો સમાવેશ થાય છે.
દેશમાં હવે મોટાભાગના લોકો પોતાની ફિટનેસ અને હેલ્થ પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છે. રોશને જોયું કે, આ શ્રેણીમાં ઉત્પાદનોનો સીમિત વિકલ્પ છે. જેમકે, આ શ્રેણીમાં કપડા કાં તો ખુબજ મોંઘા છે અથવા તો સસ્તા છે તો તેમની ગુણવત્તા હલકી છે. સારા સ્પોર્ટ્સ વિયરની માગ સમગ્ર દેશમાં છે.
રોશને વધુમાં કહ્યું કે, અમે સારી ગુણવત્તાના સ્પોર્ટ્સ વિયર સસ્તા દર પર ઉપલબ્ધ કરાવવા ઈચ્છીએ છીએ. કંપનીના વસ્ત્રોની કિંમત 399 રૂપિયાથી 3999 રૂપિયાની વચ્ચે છે. હાલમાં કંપની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ વન્ડર ટ્રી અને વન્ડર પોલો R PET બોટલોમાંથી નીકળેલા રીસાયકલ પોલીએસ્ટરમાંથી બનાવે છે. એક ટી શર્ટ બનાવવામાં અંદાજે 8 પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ થાય છે.
શું છે પ્રક્રિયા?
પહેલાં પીઈટી બોટલોને એક્ઠી કરવામાં આવે છે. ત્યાર બાદ તેને સ્ટરલાઈઝ્ડ કરવામાં આવે છે. આ બોટલોને કચડીને નાની નાની ચિપ્સમાં રૂપાંતરિક કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ગરમ કરવામાં આવે છે. યાર્ન બનાવવા માટે આ બોટલોને મશીનોમાંથી પસાર કરવામાં આવે છે. આ યાર્નની ચરખીઓ બનાવવામાં આવે છે. પછી રૂ જેવો આકાર આપવા માટે ક્રિંપિંગ મશીનમાંથી કાઢવામાં આવે છે. અંતિમ યાર્નને ડાઈ કરીને કપડાં બનાવવામાં આવે છે.
પ્રત્યેક ટી શર્ટ અંદાજે 27 લીટર પાણીની બચત કરે છે. આ પ્રક્રિયામાં ઊર્જાનો ઉપયોગ અંદાજે 50 ટકા ઓછો થાય છે. કાર્બન ઉત્સર્જનમાં 54 ટકા ઓછું યોગદાન આપે છે. ટી શર્ટ સામાન્યની સરખામણીએ વધુ હલકી અને નરમ હોય છે. જેનું વજન માત્ર 85- 90 ગ્રામ હોય છે.
નાણાકીય વર્ષ 2016- 17માં Alcis Sports નો બિઝનેસ 6 કરોડ રૂપિયા હતો. 2017-18માં આ બિઝનેસ 24 કરોડનો થઈ ગયો. નાણાકીય વર્ષ 2018 19 સુધીમાં કંપનીની નજર 60 કરોડ રૂપિયાના આંકડા પર છે.
હાલમાં કંપની જુદીજુદી ચેનલોના માધ્યમથી દર મહિને 40 હજાર આઈટમોનું વેચાણ કરી રહી છે. દેશના અંદાજે 700 આઉટલેટ પર કંપનીની પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જેમાં Lifestyle, Shopper Stop, Central, Globus, Sports Station વગેરે જેવા મોટો સ્ટોર પણ સામેલ છે. ઓનલાઈન રિટેલ વેબસાઈટ પરથી પણ આ પ્રોડક્ટ ખરીદી શકો છો. નવી દિલ્હી,મુંબઈ, કોચ્ચિ, જયપુર, ગુવાહાટી, બેગ્લુરુ, ગોવા, બાગરુ, અને કુરુક્ષેત્રમાં કંપનીના 11 એક્સક્લૂઝિવ બ્રાન્ડ સ્ટોર છે.