શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલા વરસાદ અને એ પછી આવેલા પૂર અને ભૂસ્ખલને રાજ્યમાં સફરજનના બગીચાઓમાં માઠી અસર કરી છે. મોસમનો માર સફરજનના ખેડૂતો પર પડી છે. ભારે વરસાદને પગલે દિલ્હીનાં જથ્થાબંધ બજારોમાં સફરજનની સપ્લાય ચેઇનને પ્રતિકૂળ અસર કરી છે. ફળોના વેપારીઓએ કહ્યું હતું કે ટામેટાં પછી હવે સફરજનની કિંમતોમાં વધારાની આશંકા છે.
હિમાચલ પ્રદેશ દિલ્હી-NCRના જથ્થાબંધ બજારોમાં પ્લમ, સફરજન સહિત અન્ય ફળોનો સૌથી મોટું સપ્લાયકર્તા રાજ્ય છે. ફળોના એક વેપારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સફરજનની એક પેટીની કિંમત આશરે રૂ. 1000 હોય છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે એની કિંમતો રૂ. 2000થી રૂ. 3500 પેટી થઈ ચૂકી છે. આ સિવાય હાઇવેઝ અને અન્ય રસ્તાઓ બંધ થવાને કારણે ખેડૂતો ફળોને એક જ ટ્રકમાં પેક કરી રહ્યા છે, જેથી આ ફ્રૂટ જલદી સડી જાય છે.
આઝાદપુર મંડીમાં એક ફળના વેપારી મોહમ્મદ ઇમરાને કહ્યું હતું કે સફરજનનો હાલનો સ્ટોક ખતમ થઈ ગયો છે. ભૂસ્ખલનને કારણે તાજો સપ્લાય થઈ નથી રહ્યો. હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસાના 54 દિવસોમાં 742 મિની વરસાદ થયો છે. જુલાઈમાં રાજ્યમાં થયેલા વરસાદે છેલ્લાં 50 વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રમુખ ઓમકાર ચંદ શર્માએ કહ્યું હતું કે 13-15 ઓગસ્ટ સુધી પડેલા સતત વરસાદને કારણે કુલ 71 લોકોનાં મોત થયાં છે.