અમેરિકા આરોગ્ય વિભાગમાંથી 10,000 કર્મચારીઓની છટણી કરશે

નવી દિલ્હીઃ ટ્રમ્પ સરકારે આરોગ્ય વિભાગમાં પુનર્ગઠન કરવાની યોજના શરૂ કરી છે, જેના હેઠળ અનેક અમેરિકન આરોગ્ય એજન્સીમાંથી 10,000 કર્મચારીઓની સામૂહિક છટણી કરવામાં આવશે. મંગળવારે સેંકડો ફેડરલ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમને તેમના ઓફિસ બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહોતી આવી.

આરોગ્ય અને માનવ સેવા વિભાગ (HHS)ની મોટી સંખ્યામાં નોકરીઓમાં કપાત કરવાની યોજનામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA), રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (CDC)  તેમ જ નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ (NIH) જેવી ઉચ્ચ પ્રોફાઇલ ફેડરલ એજન્સીઓનો સમાવેશ થાય છે.આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયરે અગાઉ જાહેરાત કરેલી આ વિશાળ પુનર્ગઠન યોજના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ વ્યવસાયી એલન મસ્ક દ્વારા ફેડરલ સરકારને નાની બનાવવાની અને સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE) મારફતે ખર્ચમાં કપાત કરવાની વ્યાપક યોજના અંતર્ગત છે.

તેમણે ગયા અઠવાડિયે વિભાગમાં નોકરીઓમાં કપાતની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને VRS (સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના) દ્વારા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સંખ્યા 82,000થી ઘટીને 62,000 થશે. કેનેડીએ X (એક્સ) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમારી સદ્ભાવનાઓ તેમની સાથે છે જેમણે નોકરી ગુમાવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ માટે જૂની બીમારીઓને રોકવાની તેની લક્ષ્યસાધન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કર્મચારીઓની છટણી જરૂરી હતી.