ટ્રેવિસ હેડના અભદ્ર સેલિબ્રેશન પર ભડક્યા નવજોત સિંહ સિદ્ધુ

ભારતની સામે ઓસ્ટ્રેલિયા સામે રમાતી પાંચ ટેસ્ટ મેચ માંથી ચોથી મેચમાં ભારતની હાર થઈ છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી આ મેચમાં ભારત 184 રનથી હારી ગઈ. આ હાર બાદ ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-2 થી પાછળ થઈ ગઈ અને તેણે હવે સિડની ટેસ્ટ દરેક સ્થિતિમાં જીતવી પડશે. મેલબર્નમાં મેચના અંતિમ દિવસે એક વિવાદિત ઘટના જોવા મળી, જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ટ્રેવિસ હેડે ઋષભ પંતની વિકેટ લીધા બાદ અજીબ રીતે ઉજવણી કરી. પંત શ્રેષ્ઠ બેટિંગ કરી રહ્યો હતો પરંતુ પાર્ટ ટાઈમ સ્પિનર હેડના આવ્યા બાદ તેણે સિક્સર મારવાનો પ્રયત્ન કર્યો. મિચેલ માર્શે બાઉન્ડ્રી પર પંતનો કેચ લઈ લીધો. તે બાદ હેડે અજીબરીતે ઉજવણી કરી. સોશિયલ મીડિયા પર તાત્કાલિક તેની ચર્ચા થવા લાગી અને ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ તો તેના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી દીધી.  ભારત માટે 51 ટેસ્ટ અને 136 વનડે મેચ રમનાર સિદ્ધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનો રોષ ઠાલવ્યો. સિદ્ધુએ લખ્યુ, ‘મેલબર્ન ટેસ્ટ દરમિયાન ટ્રેવિસ હેડનો અપ્રિય વ્યવહાર સજ્જનોની રમત માટે સારો નથી. આ સૌથી ખરાબ ઉદાહરણ રજૂ કરે છે, જ્યારે બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો મેચ જોઈ રહ્યાં હોય. આ વર્તને કોઈ વ્યક્તિનું નહીં પરંતુ 1.5 અબજ ભારતીયોના રાષ્ટ્રનું અપમાન કર્યું છે. તેને આકરી સજા આપવી જોઈએ જે ભવિષ્યની પેઢીઓ માટે એક બોધપાઠ તરીકે કામ કરશે, જેથી કોઈ પણ આવું કરવાની હિંમત ન કરી શકે.’

પેટ કમિન્સની સ્પષ્ટતા

આ જશ્નએ સિદ્ધુની જેમ ઘણા ભારતીયોને પરેશાન કરી દીધા પરંતુ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે એક રિપોર્ટરે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને સેલિબ્રેશનનું કારણ પૂછ્યું તો તેણે તેનો જવાબ આપ્યો. કમિન્સે કહ્યું, ‘તેની (હેડ) ની આંગળીઓ એટલી ગરમ થઈ ગઈ હતી કે તેને આંગળીઓને બરફના પાણીમાં નાખવી પડી. બસ આટલી જ વાત હતી. આ એક એવી મજાક છે જે અમે કરતાં જ રહીએ છીએ. ગાબા અને અન્ય ટેસ્ટમાં પણ તેણે વિકેટ લીધી અને પછી તરત જ ફ્રીજ સુધી ગયો, બરફ કાઢ્યો અને પોતાની આંગળી તેમાં નાખી દીધી અને પછી નાથન લિયન પાસે જઈને ઊભો રહી ગયો. તેને લાગ્યું કે આ ખૂબ જ ફની છે. બસ આટલી જ વાત હતી.’