વર્ષ 2024માં મોટી વિમાન દુર્ઘટનાઓમાં 400થી વધુનાં મોત

નવી દિલ્હીઃ વર્ષ 2024માં વિશ્વમાં અનેક લોકોને હવાઈ મુસાફરીએ ડરાવી દીધા છે. કેટલીક વિમાન દુર્ઘટનાઓમાં વિમાન હવામાં ગાયબ થયા છે તો કેટલીક દુર્ઘટનાઓમાં બ્લેક બોક્સથી સટિક માહિતી નથી મળી.  વર્ષ 2024માં આઠ વિમાન દુર્ઘટનાઓ બની હતી. જેમાં તાજી ઘટના રવિવારે કઝાકિસ્તાન અને દક્ષિણ કોરિયામાં બે વિમાન દુર્ઘટનાઓમાં 217 લોકોએ જીવ ગુમાવ્યા. આમાંનો હાલનો કિસ્સો દક્ષિણ કોરિયાના મુઆનનો છે, જ્યાં લેન્ડિંગ દરમિયાન ગિયર બોક્સમાં ખામીને કારણે પ્લેન ક્રેશ થયું હતું.

વર્ષ 2024માં આઠ મોટા વિમાન અકસ્માત થયા હતા, જેમાં 402 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોટા ભાગના અકસ્માતો ખરાબ હવામાન અથવા પ્લેનના એન્જિનની ખામીને કારણે થયા છે.રશિયન લશ્કરી વિમાન દુર્ઘટનામાં 74 લોકો 24 જાન્યુઆરીએ માર્યા ગયા હતા, આ વર્ષે પહેલી મોટી વિમાન દુર્ઘટના જાન્યુઆરીમાં રશિયાના બેલગોરોદ વિસ્તારમાં થઈ હતી. આ અકસ્માતમાં 65 યુક્રેનિયન કેદીઓ અને 9 રશિયન ક્રૂ મેમ્બર સવાર હતા. આ ઘટના બાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે યુક્રેનની મિસાઈલ પ્લેનને ટકરાઈ હતી, જ્યારે યુક્રેને તેને રશિયાનું ષડયંત્ર ગણાવ્યું હતું.

રશિયાના ઇવાનોવો ઓબ્લાસ્ટમાં ઇલ્યુશિન IL-76 કાર્ગો પ્લેન ક્રેશ 12 માર્ચે થયું હતું. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયાં હતાં, તેમાં 7 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા.

આ વર્ષે 19 મેએ ખરાબ હવામાનને કારણે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દુલ્લાહિયન સહિત નવ લોકોનાં મોત થયાં હતાં. જોકે ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં 3 હેલિકોપ્ટર હતા અને તેમાંથી 2 હેલિકોપ્ટર સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતા.આફ્રિકન દેશ મલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ક્લાઉસ ચિલિમાનું વિમાન દુર્ઘટનામાં  10 જૂને  મોત થયું હતું. તેમની સાથે નવ લોકોનાં મોત થયાં હતાં. દુર્ઘટના પાછળનું કારણ ખરાબ હવામાન છે. નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૌરી એરલાઈન્સનું વિમાન 24 જુલાઈએ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના વિન્હેડો શહેરમાં નવ ઓગસ્ટે વોએપાસ ફ્લાઇટ 2283​​​​​​​ ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 62 લોકોનાં મોત થયા હતા. પ્લેન ક્રેશના કારણની હજુ તપાસ ચાલી રહી છે. કઝાકિસ્તાનના અક્તાઉમાં 25 ડિસેમ્બરે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા હતા. પ્લેનમાં 62 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર હતા. આ પ્લેન ક્રેશ થયું અને તેના બે ટુકડા થઈ ગયા, ત્યાર બાદ તેમાં આગ લાગી હતી.

દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર જેજુ એરનું પ્લેન 29 ડિસેમ્બરે  ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 181 લોકો સવાર હતા, જેમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા.