એક અવિસ્મરણીય ટીવીશોનાં 33 વર્ષઃ માલગુડીમાં એક લટાર…

દરેક જણ પાસે બાળપણની સ્મૃતિનો એક પટારો હોય છે. મારી પાસે પણ મારો પોતાનો આવો પટારો છે અને, એ કાળની અઢળક સ્મૃતિમાંની એક છે ‘માલગુડી ડેઝ’. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સમ્માનિત ઈન્ગ્લિશ રાઈટર રાસિપુરમ કૃષ્ણાસ્વામી નારાયણ એટલે કે આર.કે. નારાયણના 1943માં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘સ્વામી ઍન્ડ હિઝ ફ્રેન્ડ્સ’ પરથી સર્જાયેલી ‘માલગુડી ડેઝ’નો પહેલો એપિસોડ પ્રસારિત થયો એને તાજેતરમાં 33 વર્ષ થયાં. સંયોગથી અત્યારે આ સિરિયલ ડીટીએચ પ્લેટફોર્મ ‘ટાટા સ્કાય ક્લાસિક સિનેમા’ પરથી દર શનિ-રવિની સાંજે પ્રસારિત થઈ રહી છે. 54 એપિસોડ્સની સિરીઝના દર અઠવાડિયે બે એપિસોડ્સ ટેલિકાસ્ટ થાય છે ને ઑગસ્ટ સુધી ચાલશે. ‘દૂરદર્શન’ના સુવર્ણકાળમાં લઈ જતી આ સિરિયલ લૉકડાઉન-કાળ માટે પરફેક્ટ છે.

આજે બાળપણની આ સોનેરી સ્મૃતિ વાગોળવી છે. આર.કે. નારાયણ સાહેબના યંગર બ્રધર કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણના સ્કેચીસ અને સંગીતકાર વૈદ્યનાથનની સિગ્નેચર ટ્યૂન, “તાનાના તાના નાના ના”… સાથે પ્રત્યેક એપિસોડ શરૂ થતો ને દિલદિમાગ પહોંચી જતાં કર્ણાટકના શિમોગા ડિસ્ટ્રિક્ટમાં આવેલા અગુમ્બે ગામમાં, જ્યાં એનું શૂટિંગ અહીં થયેલું. પાંચેક વર્ષ પહેલાં બેંગલોરની મુલાકાત દરમિયાન એક આખો દિવસ ખર્ચીને હું માલગુડી જોવા અગુમ્બેની મુલાકાતે ગયેલો.

દરેક એપિસોડ દર્શકને એક વાર્તા કહેતો, દરેક એપિસોડ જોવો એ એક જશન હતો. આઝાદી પહેલાંના સમયનું કર્ણાટકનું એક ગામડું. જો કે સાવ પછાત ગામડું પણ નહીં. નગરી કહી શકાય એવું. વિવિધ પ્રકારના લોકો માલગુડીમાં જોવા મળતાઃ સ્વાતંત્ર્યસેનાનીથી લઈને સરકારી કર્મચારી, મધ્યમવર્ગી, વેપારી, દુકાનદાર, સ્કૂલી બચ્ચાં (સ્વામી અને એના મિત્રો) વગેરે.

-અને શું હતું માલગુડીમાં? એક બજાર ચોક, ચોકમાં કોઈ બ્રિટિશરનું બાવલું, બે નિશાળ, પોસ્ટ ઑફિસ, રેલવેસ્ટેશન, બસસ્ટેન્ડ, સિનેમા હૉલ, પોલીસસ્ટેશન, વગેરે… તે સમયે મારા જેવા અનેક લોકો માનતા કે માલગુડી નામનું ગામ એક્ચ્યુઅલી છે. એ ડિરેક્ટર શંકર નાગરકટ્ટેની, જે શંકર નાગના નામથી જાણીતા હતા, એમની કમાલ છે. એક ઉદાહરણઃ ધારો કે બજારમાં મીઠાઈની દુકાન (સ્વીટ શૉપ) હોય તો એના નામ સાથે માલગુડી લખેલું હોય, પોસ્ટ ઑફિસના પાટિયા પર માલગુડી લખેલું હોય. અરે, ‘માલગુડી ટાઈમ્સ’ નામનું અખબાર પણ એમણે બતાવેલું.

જાણીને નવાઈ લાગે, પણ હિંદીનો કક્કોય ન જાણતા કન્નડભાષી કલાકારો, કન્નડ પૃષ્ઠભૂ, કર્ણાટકના ગામડામાં ચિત્રિકરણ છતાં સિરિયલ હિંદીમાં સર્જાયેલી. હકીકત એ કે સિરિયલના સર્જક શંકર નાગ ઈચ્છતા હતા કે ‘માલગુડી ડેઝ’ માત્ર કર્ણાટકમાં જ નહીં, પણ દેશભરમાં બને એટલા લોકો જુવે. જો કન્નડમાં બનાવત તો માત્ર એ બાજુના લોકોએ જ એ જોઈ હોત ને જે ખ્યાતિ એને તથા આર.કે. નારાયણને મળી એ ન મળી હોત.

કન્નડના ધુરંધર કલાકારોનું હિંદી ડબિંગ ડિરેક્ટરે જ કરેલું. મસ્તીખોર બાલક સ્વામીની મુખ્ય ભૂમિકા ભજવનાર માસ્ટર મંજુનાથ નાયકરને પણ હિંદી આવડતું નહીં. શૂટિંગ પહેલાં એ જેમતેમ સંવાદો ગોખીને બોલી કાઢતો. 70થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કરનાર માસ્ટર મંજુનાથે 1990ના દાયકામાં આવેલી ‘અગ્નિપથ’માં બાળ વિજય દીનાનાથ ચૌહાણની ભૂમિકા ભજવેલી. મંજુનાથ હાલ બેંગલોરમાં વસે છે, પોતાની પબ્લિક રિલેશન કન્સલ્ટન્સી કંપની ચલાવે છે, સ્વર્ણરેખા નામની ઍથ્લિટ સાથે લગ્ન કરી સ્થિર ગૃહસ્થી ચલાવે છે. દંપતીને દસેક વર્ષનો એક બાબો છે.

આ સીમાચિહ્ન રૂપ સિરિયલના એક એક એપિસોડ વિશે લખી શકાય એમ છે. આપણા સૌ માટે આનંદની વાત એ છે કે ‘માલગુડી ડેઝ’ જેના પરથી સર્જાઈ એ વાર્તાસંગ્રહ ‘સ્વામી ઍન્ડ હિઝ ફ્રેન્ડ્સ’ ટૂંક સમયમાં ગુજરાતીમાં આવી રહ્યો છે, જેનો અનુવાદ કર્યો છે મુંબઈના વિવેચક, વાર્તાકાર પ્રોફેસર, કાંતિ પટેલે.

(કેતન મિસ્ત્રી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]