નવી દિલ્હીઃ દેશમાં મોબાઇલ વોલેટનું ચલણ ઝડપથી વધી રહ્યું છે અને આગામી કેટલાંક વર્ષોમાં દેશમાં મોબાઇલ વોલેટના માધ્યમથી પેમેન્ટ 2028માં રૂ. 531.8 લાખ કરોડથી વધુ થવાની સંભાવના છે. એમાં 2024 અને 2028 દરમ્યાન 18.3 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર (CAGR) વધારો થશે, એમ લંડન સ્થિત અગ્રણી ડેટા અને એનાલિટિક્સ કંપની ગ્લોબલ ડેટાનો રિપોર્ટ કહે છે.
દેશમાં મોબાઇલ વોલેટ પેમેન્ટનું મૂલ્ય 2019 અને 2023ની વચ્ચે 72.1 ટકા (CAGR)થી વધીને 2023માં 202.8 લાખ કરોડ (2.5 લાખ કરોડ ડોલર) સુધી પહોંચી ગયું છે. એનું મુખ્ય કારણ સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટેના નક્કર પ્રયાસો છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના આંકડા મુજબ ફેબ્રુઆરી, 2024માં 18.3 લાખ કરોડ (221.5 અબજ ડોલર)ના 12.1 અબજ લેવડદેવડ કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરી, 2023માં 12.4 લાખ કરોડના 7.5 અબજ લેવડદેવડ કરતાં વધુ હતી.