થોડા સમય પહેલાં એક વિડિયો વાયરલ થયેલો, જેમાં યુનાઈટેડ કિંગડમના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જૉન્સન
આનાથી સાવ વિરુદ્ધનો એક પ્રસંગ. સારંગપુર મંદિરે બે કિશોર મળવા આવ્યા. એકે કહ્યું, ‘મને બહુ મોટી મુશ્કેલી છે.’
‘શું?’
‘હાઈટ જરા ટૂંકી છે! મારા મિત્રો બધા ઊંચા છે. હું એમની બાજુમાં ઊભો હોઉં તો મને શરમ આવે છે. આશીર્વાદ આપો કે મારી હાઈટ વધે!’
તે પછી કિશોર નંબર બેને પૂછ્યું: ‘કેમ ચાલે છે ઘરનો વહેવાર’?
‘ઠીક ઠીક… પપ્પા બીમાર છે. મમ્મી કપડાં-વાસણ કરવા બે-ત્રણ ઘરે જાય છે. માંડ પૂરું થાય. એક ભાઈ ચોથામાં છે, એક ભાઈ પાંચમામાં.’
‘તું કંઈ નાનુંમોટું કામ કરતો હોય તો? માતાને ટેકો રહેને… છાપાં નાખવાં, હૉટેલમાં, સ્ટોરમાં…’
‘હું એવાં કામ કરું? ક્યારેય નહીં. મારા ફ્રેન્ડસ જુએ તો ઈજ્જત જાય.’
આને કહેવાય માનસિક પૅરાલિસીસઃ ઉછીની શરમનું પૅરાલિસીસ !
મુનશી પ્રેમચંદ એટલે હિન્દી સાહિત્યગગનના ચમકતા ચંદ્ર હતા. એ પોતાના ગદ્યમાં ઘણું કરીને બાબુગીરીની સખત ઝાટકણી કાઢતા. કોટ-પેન્ટ-ટાઈ પહેરીને વિદેશી જેવા દેખાવા મથતા તત્કાલીન ભારતીય યુવકોને દંભ અને દેખાવથી દૂર રહેવાની સલાહ તેમણે આપેલી.
માત્ર ખુરશી ઉપર જ બેસીને કામ કરવાની ટેવવાળા, કેડ નમાવવામાં શરમ અનુભવતા યુવકોની વધતી સંખ્યા આજે પણ ચિંતા અને ચિંતનનો વિષય છે.
મારી આબરૂ જાય અથવા મને ક્ષોભ થાય અથવા મને શરમ આવે એ પાશ્ચાત્ય સભ્યતા (વેસ્ટર્ન કલ્ચર)ના દબાણમાં વાગતું ભારતીય ગાન છે. નવાઈની વાત એ છે કે વેસ્ટમાં કોઈને કંઈ પણ કામ કરવામાં નાનમ લાગતી નથી, જ્યારે આપણે ત્યાં યુવાનોને જાણે ઊણપની આગમાં સળગ્યા કરવાની તરકીબ જડી ગઈ છેઃ હું આવું ન કરી શકું.
આ યુવાનો પાસે ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં,’ની આખી કહેવત હવામાં ઓગળી જાય છે. હા, મહત્ત્વાકાંક્ષા ભલે હોય, પણ શરમ? અને તે પણ શ્રમમાં? શું ઉચ્ચ જીવન સાદાઈથી જીવવા માટે પણ ભાઈબંધોની નજરમાંથી બચતા રહેવું પડે? હા, જમાના સાથે તાલ મિલાવીને નવી વિદ્યાઓ, નવા દૃષ્ટિકોણ જીવંત રાખવા જરૂરથી સમયરથને સત્કારવો રહ્યો. જ્ઞાનની વિકસતી ક્ષિતિજો સામેની દૌડમાં હરહંમેશ માથું મારીને આગળ આવવું જ રહ્યું, પરંતુ શ્રમ અને સાદાઈ જેવાં મૂલ્યોની પણ એક કિંમત છે. જેની શરૂઆત આ ઉંમરમાં જ કરવી પડે છે અને ફ્ળ જોવા વીસેક વર્ષની રાહ જોવી પડે! યાદ રહે, શરમનો લકવો શરીર જ નહીં, મન પણ જકડી રાખે છે. જેને દોડવું છે એને લકવો પણ રોકી શકતો નથી.
સત્પુરુષોનાં જીવન આપણને શીખવે છે કે શરમ ભૌતિક સાધનોની ઊણપથી નહીં, પરંતુ સદગુણોના સત્યાનાશથી આવવી જોઈએ. હા, આ સત્પુરુષોએ બાહ્ય સાધનોને ક્યારેય ન્યૂનતમ ઉપયોગની રેખાથી આગળ વધવા દીધાં નથી. ૧૯૮૪માં પ્રમુખસ્વામી મહારાજ પોપ પૉલ (બીજા)ને મળવાના હતા. આગલી રાત્રે પત્રકારે પૂછ્યું: ‘કાલે પોપને મળવા જતાં આપ કયાં કપડાં પહેરશો?’
સ્વામીશ્રીએ ક્ષણાર્ધમાં કહ્યું હતું: ‘અમારે તો જિંદગીભર આ જ કપડાં અને આ જ ડિઝાઈન!’
ભૌતિક ક્ષેત્રમાં પણ મહાન માનવીઓએ સાદગી, શ્રમ અને સંયમના આધા વિશ્વના ઇતિહાસમાં પોતાના નામનું સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું છે. બાળપણમાં અબ્દુલ કલામ સાહેબને છાપાં વેચવામાં તો વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચા વેચવામાં શરમ નથી લાગી. આ બંને મહાનુભાવો મોટા થઈને અતિ પ્રભાવશાળી વ્યક્તિ થઈ તે જગજાહેર છે.
તો હવે આપણે શું કરવું છે? તોફાન સમા ધસમસતા યૌવનને પૅરાલિસીસમાં જકડી રાખવું હોય તો ‘મને શરમ આવે’ના કાતિલ પ્રવાહમાં વહ્યા કરીએ…પરંતુ પ્રગતિના પંથે દોડતા રહેવું હોય તો મહાપુરુષોના માર્ગે ચાલવા માંડીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)