માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂ વેચાણ કરતો શખ્સ ઝડપાયો

માંડવીના રમણિયા બીચ પર એક વિડીયો થોડા સમયથી સોશિયલ મીડિયા ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક શખ્સ ખુલ્લે આમ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ-બિયરની બોટલોનું વેચાણ કરતો જોવા મળી રહ્યો છે. શખ્સ એક્ટિવા સ્કૂટર પાસે ઊભા રહીને દારૂ-બિયરની બોટલો મૂકી બૂમો પાડીતો નજરે પડ્યો હતો કે “બીચ પર આવ્યા અને દારૂ ન પીધો તો, શું કર્યું.. આવો આવો દારૂ લઈ લો” બીચ પર આ શખ્સ એ રીતે દારૂ વહેંચી રહ્યો હતો જાણે શાકમાર્કેટમાં શાક.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો હતો. અને પોલીસ તંત્રને ખુલ્લી પડકાર પર આપી રહ્યો હતો. જે બાદ આ વીડિયો થકી પશ્ચિમ કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ટીમ બનાવીને માંડવીમાં રહેતા મોહનીશ મહેન્દ્ર ઉદાશી નામના બુટલેગરને ઝડપી પાડયો હતો. માંડવીના રમણિય બીચ પ્રવાસન સ્થળ ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણા વર્માની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. પરંતુ પણ અહીં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ કથળી ગઈ છે. માંડવી અને આસપાસના ગામોમાં કાયદો વ્યવસ્થાને ગુનેગારો ઘોળીને પી ગયા હોય તેમ પોલીસનો કોઈ જ ખોફ રહ્યો નથી. તાજેતરમાં માંડવી પોલીસ મથકમાં ઘાતક હથિયારો સાથે આવીને કુખ્યાત ગુનેગારો દ્વારા હુમલો કરી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. જેમાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે માંડવી બીચ પર ખુલ્લેઆમ દારૂના વેચાણ કરતાં યુવકનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ દરમિયાન કાયદો વ્યવસ્થા પર સવાલો ઊભા થતાં પશ્ચિમ કચ્છ પોલીસ હરક્તમાં આવી ગઈ હતી. લોકલ કાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને વાયરલ વીડિયોમાં દેખાતા અને માંડવી શહેરના ધવલનગરમાં રહેતા મોહનીશ મહેન્દ્ર ઉદાશી નામના યુવકને પકડી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, ‘બે માસ પહેલાં તેના મિત્ર કમલસિંહ જાડેજા અને તે એમ બન્ને જણાઓ દારૂ પીવા ગયા હતા. ત્યારે આ વીડિયો બનાવ્યો હતો.’ પોલીસે આરોપીની પ્રોહિબીશનની કલમ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.