સુરતમાં મહાવીર કેન્સર હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂપિયા 250 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી સજ્જ બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી કુલચંદભાઈ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કરાયુ હતું.

મહાવીર કેન્સર હોસ્પિટલમાં 13 માળ સાથે 2.75 લાખ સ્કે.ફુટમાં 110 બેડ અને 36 રૂમ સાથેનું સેનેટોરિયમ, એમ.આર.આઈ., પેટસીટી સ્કેન, ઈમ્યુનોથેરાપી સાથેની અનેકવિધ સારવાર ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે,  સુરતએ પશ્વિમ ભારતનું ઔદ્યોગિક અને આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યુ છે. જેના પરિણામે વસ્તીમાં પણ વધારો થયો છે તેમ છતા સુરતે છેલ્લા વર્ષોમાં સ્વચ્છતાક્ષેત્રે સમગ્ર ભારતમાં અગ્રીમ રહ્યું છે. હવે આરોગ્ય ક્ષેત્રે પણ સુરત પ્રગતિના પથ પર છે. છેલ્લા આઠ વર્ષમાં 317 કરોડ દર્દીઓએ PMJAY યોજનાનો લાભ લીધો છે.

આ પ્રસંગે રાજયના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 1978થી શરૂ થયેલી મહાવીર હોસ્પિટલ દરેક નાગરિકોને રાહતદરે સેવા પૂરી પાડી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે જુદી જુદી સારવાર સેવાઓનો ઉમેરો થયો છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ પૂર અને પ્લેગ જેવા સમયે પણ મહાવીર હોસ્પિટલે નિષ્ઠાપૂર્વક કરેલી કામગીરીને યાદ કરી હતી. મહાવીર હોસ્પિટલ હાર્ટની પ્રથમ હોસ્પિટલ તરીકે ઓળખાય છે, જ્યાં હજારો હ્રદયરોગીઓના જીવ બચાવાયા છે. હવે મહાવીર હોસ્પિટલ દ્વારા કેન્સર હોસ્પિટલ શરૂ કરવાનું મહત્વનું કાર્ય થયું છે. કેન્સર સારવાર માટે હવે મુંબઇ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નથી, કારણ કે તમામ સુવિધાઓ હવે સુરતમાં જ ઉપલબ્ધ બનશે.

(અરવિંદ ગોંડલિયા, સુરત)