L.J.યુનિવર્સિટી દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન, 2500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

અમદાવાદ: LJ યુનિવર્સિટીએ બીજો દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું હતુ. દીક્ષાંત સમારોહમાં ફાર્મસી, MCA, B.Sc., M.Sc., MBA, એન્જિનિયરિંગ, IMBA, કોમર્સ, ઇન્ટિગ્રેટેડ MCA, MLT, આર્કિટેક્ચર, પ્લાનિંગ અને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગના લગભગ 2500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. આ ઉપરાંત 41 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા.  આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પદ્મ વિભૂષણ ડૉ. મોન્ટેક સિંહ આહલુવાલિયા, ભૂતપૂર્વ નાયબ અધ્યક્ષ, આયોજન પંચ, ભારત સરકાર હતા. એલ.જે. યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પ્રોફેસર દિનેશ અવસ્થીએ ડૉ. મોન્ટેક સિંહ આહલુવાલિયાનો પરિચય આપ્યો અને એલ.જે. યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિની સમીક્ષા પણ રજૂ કરી. તેમણે યુનિવર્સિટીના વિવિધ સંસ્થાઓ, સંશોધન, ઔદ્યોગિક તાલીમ કાર્યક્રમો, ઇન્ટાસ સેન્ટર ઓફ એક્સલન્સ (ICE), હેકાથોન, ઉદ્યોગ પ્રાયોજિત પ્રોજેક્ટ્સ, અને ભોજન અને આરોગ્ય સેવાઓ જેવા સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પ્રાપ્ત સિદ્ધિઓને રજૂ કરી.

એલ.જે. યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. મનીષ શાહે સંબોધનમાં ડૉ. આહલુવાલિયાના સ્વાગત સાથે સ્નાતક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સતત શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપી. સમારોહના મુખ્ય મહેમાન ડૉ. મોન્ટેક સિંહ આહલુવાલિયાએ પણ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા. પોતાના ભાષણમાં તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે ટેકનોલોજી, અર્થતંત્ર અને જીયોપોલિટિક્સ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી. તેમણે સમજાવ્યું કે ટેક્નોલોજીના ઝડપી ફેરફારો પડકારો ઊભા કરી શકે છે. વર્તમાન નોકરીઓ માટે જોખમ ઊભું કરી શકે છે અને નવી નોકરીઓનું સર્જન કરી શકે છે, જેના માટે નવા કૌશલ્યની જરૂર પડશે. આવી નોકરીઓ જે 10 વર્ષ પહેલાં અસ્તિત્વમાં નહોતી.

ડૉ. આહલુવાલિયાએ ઉલ્લેખ કર્યો કે ભારતમાં GDP વૃદ્ધિ તેમની પેઢી કરતાં ચાર ગણી ઝડપથી થશે, જે શહેરીકરણ અને ખેતીમાંથી ટેકનોલોજી આધારિત નોકરીઓ તરફનાં પરિવર્તનથી પ્રેરિત થશે. આ પરિવર્તનો ભારત અને વિશ્વ પર અસર કરશે અને વૈશ્વિક જીયોપોલિટિક્સમાં બદલાવ લાવશે.

તેમણે ટેકનોલોજીથી થતાં પ્રગતિના નુકસાનની ચર્ચા પણ કરી, જેમ કે પ્રદૂષણ અને હવામાન ફેરફાર. આ સમસ્યાને હલ કરવા માટેના ઉપાયો અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ચીનના બેઇજિંગમાં અપનાવેલી પ્રદૂષણ નિયંત્રણ નીતિનું ઉદાહરણ આપ્યું. અંતે, તેમણે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રોમાં થયેલા ફેરફારો પર નજર રાખવાની અને વધુ સારા ભવિષ્ય માટે પોતાને અપડેટ રાખવાની સલાહ આપી.