કાંકરિયા કાર્નિવલ મોકૂફ, પૂર્વ PM મનમોહન સિંહના નિધનને પગલે નિર્ણય

દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના અનુસંધાને અમદાવદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ને મોકૂફ રાખવાની એ.એમ.સી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 1 જાન્યુઆરીથી શરુ થનાર ફ્લાવર શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, હવે ફ્લાવર શો 3 જાન્યુઆરીથી શરુ થશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા તથા દંડક દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના દુઃખદ અવસાન નિમિત્તે “કાંકરિયા કાર્નિવલ2024″ના આજે તારીખ 27 ડિસેમ્બર 2024થી તારીખ 31 ડિસેમ્બર 2024 સુધીના તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. જ્યારે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ યથાવત્ રહેશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેમને દિલ્હી એઇમ્સના ઇમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આજે તિરંગો પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. પૂર્વ પીએમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેમના મૃત્યુ બાદ મનમોહન સિંહના પાર્થિવ દેહને મોડી રાત્રે એઇમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ડૉ. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.