મુંબઈ: અલ્લુ અર્જુન શનિવારે સવારે જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. તેમણે વર્તમાન મામલે માફી પણ માંગી છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું નિવેદન પણ અલ્લુ અર્જુનને લઈને આવ્યું છે. અલ્લુ અર્જુન અને આ સમગ્ર મામલે કંગના રનૌતે શું કહ્યું? જાણો.
કંગના રનૌતે ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મોત અને આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ વિશે વાત કરી હતી. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તે કહે છે,’આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. હું અલ્લુ અર્જુનને સપોર્ટ કરું છું. પરંતુ તેઓએ એક ઉદાહરણ પણ બેસાડવું જોઈએ.’
કંગના રનૌત આગળ કહે છે,’અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે, પરંતુ અમે હાઈપ્રોફાઈલ લોકો છીએ, તેનો અર્થ એ નથી કે અમારે કોઈ પરિણામ ભોગવવું ન જોઈએ. લોકોનું જીવન ખૂબ જ કિંમતી છે. ભીડવાળા થિયેટર હોય કે સિગારેટની જાહેરાતો, મને લાગે છે કે તેઓ (પુષ્પા 2 ટીમ) તે કાર્યક્રમમાં હાજર હતા, આવી સ્થિતિમાં દરેકને જવાબદાર ઠેરવવા જોઈએ.’
શું છે સમગ્ર મામલો?
અલ્લુ અર્જુન માટે શુક્રવાર મુશ્કેલીઓથી ભરેલો દિવસ હતો. તેલંગાણા પોલીસે ‘પુષ્પા 2’ ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં શુક્રવારે બપોરે અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ પછી પોલીસે તેને નીચલી કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. મોડી સાંજે તેને આ કેસમાં જામીન પણ મળી ગયા હતા. પરંતુ તેને શુક્રવારની રાત જેલમાં વિતાવવી પડી હતી. તે શનિવારે સવારે પોતાના ઘરે આવ્યો છે. ઘરે આવ્યા બાદ અલ્લુએ આ સમગ્ર મામલાની વાત કરી અને જે દુઃખદ ઘટના બની તેના માટે માફી પણ માંગી. અલ્લુ કહે છે કે તે પહેલા પણ ઘણી વખત તે થિયેટરમાં આવી ચુક્યો છે, પરંતુ આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પહેલા બની નથી.