સાકટ સંગ ન બૈઠિયે, કરણ કુબેર સમાન, તાકે સંગ ન ચલિયે પડિ હૈ નરક નિદાન. |
આપણે સમાજમાં કોઈ ધનવાન કે દાનવીર જોઈએ તો આપણને તેમના માટે માન ઊપજે તે સ્વાભાવિક છે. વ્યક્તિની સંપત્તિ કે દાનપ્રવૃત્તિથી અંજાઈ જવાની જરૂર નથી. જે વ્યક્તિ કર્ણ જેવી દાનવીર હોય કે કુબેર જેવી ઐશ્વર્યવાન હોય પણ તેનો સંગાથ ન કરવો. સદ્ગુરુ મોક્ષમાર્ગ ચીંધે છે. જ્યારે કુસંગ તો નરકનું દ્વાર ખોલી આપે છે.
કબીરજીની સલાહ છે કે સામાન્ય માણસે મિત્રો, સાથીઓ અને અનુયાયીઓ પસંદ કરવામાં કાળજી રાખવી જોઈએ. નીચવૃત્તિઓનું પ્રાબલ્ય ઓછું આંકવાથી સજ્જનો પણ મુશ્કેલી નોતરી લે છે. સદ્ગુરુ પારસ સમાન છે, જેના સ્પર્શમાત્રથી લોખંડ સોનાનું સ્વરૂપ ધારણ કરે છે. દરેક વ્યક્તિ પોતાને પારસમણિ માની લે તો અનર્થ જ થાય.
સ્વર્ગનો માર્ગ નેક ઈરાદાઓથી ભરપૂર હોય પરંતુ જરા જેટલી ગફલત માણસને સુખના શિખરેથી સીધો દુ:ખની ખીણમાં ફેંકી દે છે. વિશ્વામિત્ર ઇન્દ્રની કપટજાળમાં આવી ગયા અને મેનકા દ્વારા તપોભંગ થયા. ચિત્તવૃત્તિ દબાવીને કરેલ તપ ક્યારે નાશ પામે તે નક્કી નથી.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)