સૂતા સાધુ જગાઈએ, કરે બ્રહ્મ કો જાપ, મેં તીનોં ન જગાઈએ, સાકટર સિંહરુ સાપ. |
કબીરજી દુર્જનના સંગથી -કુસંગથી દૂર રહેવાનો વાસ્તવિક ઉપદેશ આપે છે. સાથે સાથે તે કહે છે કે, દુષ્ટ પ્રકૃતિના ધારકોને છેડવા નહીં. તુલસીદાસજી પણ માનસમાં દુર્જનને એટલા માટે વંદન કરે છે કે તે શાંત રહ્યા, ઉપદ્રવ ન કર્યો અને કાર્ય પૂર્ણ કરવામાં બાધા ન કરી.
કબીરજી કહે છે કે, સાચો સાધુ દિન-રાત બ્રહ્મની ઉપાસનામાં લીન હોય છે. તેને ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં મળીએ તો સમભાવ જોવા મળે છે. સાધુએ પ્રકૃતિનાં નબળાં તત્ત્વો પર અંકુશ મેળવ્યો હોય છે.
સામા પક્ષે અજ્ઞાની, મોહાંધ અને ક્રોધી વૃત્તિવાળાનું વર્તન કેવું હશે તે કહી શકાતું નથી. આવી વ્યક્તિની ખુંખાર વૃત્તિ દર્શાવવા કબીરજી સિંહ અને સાપની ઉપમા આપે છે. સિંહ કે સાપને છંછેડવાથી માનવી જીવ ગુમાવી શકે છે. સાધક માટે સાધના સમયે સતત જાગૃતિ, કાળજી અને સમજણ જરૂરી છે. કાળજી માટે આપણી તળપદી કહેવત છે “જાગતાની પાડી (જે ભેંસરૂપે કામ આવે) અને ઊંઘતાનો પાડો (જે નકામો બોજ બને).” સાધકને પ્રમાદ કદી ન પરવડે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)