પાંચ કરોડની જમીન પચાવવાના કેસમાં જામનગરના ભૂમાફિયાની ધરપકડ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ મયુર ટાઉનશીપ-1 ખાતેના કોમન પ્લોટમાં બાંધકામ થકી ગેરકાયદે દબાણ કરીને અંદાજે પાંચ કરોડની જમીન પચાવી પાડવાના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના ભાઇ ધર્મેશ રાણપરીયા સામે જામનગરના સીટી-A ડિવિઝનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર વ્યાપી ગયો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર મયુરટાઉનશીપ-1 ખાતે રે.સ.નં. 1206નો કોમન પ્લોટ-એ આશરે 965.38 ચો.મી.નો છે, જેની અંદાજે બજાર કિંમત રૂ. 5,19,55,000 છે. આ પ્લોટમાં ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ લેન્ડ ગ્રેબીંગ સમિતિ સમક્ષ કરવામાં આવી હતી. સમિતિ દ્વારા આ અંગે તપાસ કરતા, તેમાં તથ્ય જણાતા, આ મામલે ફરિયાદ દાખલ કરવા પોલીસને સૂચના આપવામાં આવી હતી.

મયુર ટાઉનશીપમાં શેરી નં. 9 માં રહેતા ધર્મેશ મુળજી રાણપરીયાની વિરુઘ્ધ સીટી-એ ડિવિઝનમાં “ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020”ની કલમ 4(3), 5(ગ) અને ઇપીકો 506, 294(ખ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધર્મેશ રાણપરીયા સામે અગાઉ 3 ફરિયાદ થઇ ચૂકી છે અને તાજેતરમાં જ રણજીતસાગર રોડ પર આરોપીએ કરેલ ગેરકાયદે બાંધકામ પોલીસ અને એસ્ટેટ શાખાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવીને દૂર કરી જગ્યા ખુલ્લી કરાઇ હતી. હવે ધર્મેશ રાણપરીયા સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ થતા ચકચાર ફેલાઇ જવા પામી છે.

(પાર્થ સુખપરિયા જામનગર)