નવા વર્ષના આરંભ સાથે જાતજાતના સંકલ્પ કરવાની કે રિઝોલ્યુશન કરવાની પ્રથા છે. મીઠાઈ નહીં, ખાઉં, તળેલું નહીં ખાઉં, ચાલવા-દોડવા જઈશ, વહેલો ઊઠીશ, વગેરે. એ વાત જુદી છે કે મોટા ભાગના સંકલ્પ કરનારા પછી પથારીમાં જ ચાલતા કે દોડતા જોવા મળે. એમને માટે ચાલવા જવા માટે પરોઢિયે ઊઠવું અઘરું છે.
અઘરા કે અશક્ય લાગતા રિઝોલ્યુશન કે સંકલ્પની વાત બાજુએ મૂકીએ તો પણ, આ જગતમાં સૌથી અશક્ય લાગતું કામ કે ક્રિયા કઈ?
વિદ્વાનો આનો જવાબ આપે છેઃ માફી માગવી અને આપવી. ભલભલી બહાદુર વ્યક્તિ માફી માગવાની આવે ત્યારે કાયર બની જાય છે. એવી જ રીતે માફી આપવામાં પણ ઘણા નબળા પડતા જણાય છે કેમ કે માફી માગવા અને આપવા વચ્ચે આડે આવે છે અહં ઈગો.
અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ “ઈટ્સ નાઈસ ટુ બી ઈમ્પોર્ટન્ટ, બટ ઈટ્સ મોર ઈમ્પોર્ટન્ટ ટુ બી નાઈસ” અર્થાત્ “મહત્ત્વના બનવું સારું છે, પરંતુ સારા બનવું વધારે મહત્ત્વનું છે.”
પોતાનું મહત્વ બતાવવું, મહત્વના બનવું, માનવંતા બનવું એ માનવીની એક સહજ સ્વાભાવિક માનસિકતા છે. કોઈ આ માટે અચંબિત કરી મૂકે એવા વેશ-કેશ સાથે જાહેર સ્થળોએ દેખા દે છે, કે એ રીતે તો એ રીતે, લોકો મારી નોંધ તો લેશે. વળી આ જમાનો પણ સોશિયલ મિડિયાનો છે, ક્યાંય નહીં તો એની પર નોંધ લેવાશે જ.
હા, અભિભૂત કરી દે તેવાં કળા-કૌશલથી બીજાના નોંધપાત્ર થવું તે માણસમાત્રને ગમે છે. આમાં એક મજા છે અને અમુકને તો આનો રીતસરનો નશો હોય છે. હકીકતમાં આ મજા, આ આનંદ આ નશો અલ્પજીવી અને પ્રમાણમાં ટાંચો છે, જે આવતાંની સાથે જ જવાની ઘડીઓ ગણે છે.
એક ચિંતકે લખ્યું છે કે, “ધ ગ્રેટેસ્ટ હૅપિનેસ ઑન ધિસ અર્થ ઈઝ કન્વિક્શન ધૅટ વી આર લવ્ડ” અર્થાત્ “બીજાનાં હૃદયમાં આપણા માટે સાચો પ્રેમ છે તેની પ્રતીતિ જેવો બીજો કોઈ આનંદ આ પૃથ્વી પર નથી.”
આપણી ગેરહાજરીમાં આપણને કોઈ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના યાદ કરે, આપણી ઉપસ્થિતિની ઝંખના કરે અને વિશેષ તો આપણા પ્રત્યેક પ્રસ્તાવને બહુધા સકારાત્મક પ્રતિભાવ સાંપડે ત્યારે સમજવું કે આપણે ખરા અર્થમાં બીજાનો પ્રેમ સંપાદિત કરી શક્યા છીએ. આની ખાતરી થવી એના આનંદનું મૂલ્ય, એ આનંદની અવધિ આંકી શકાય નહીં.
અન્યના અને ખાસ તો સમાજના જે માનવવર્તુળ વચ્ચે આપણે વધુ રહેતા હોઈએ તેમનાં હૃદયમાં આપણા માટે જન્મેલા શાશ્વત અને સીમારહિત પ્રેમ તથા આદર એ ચારિત્ર્યયુક્ત સદગુણી જીવનની અપેક્ષા રાખે છે.
સદગુણોમાં શિરમોર છે નમ્રતા. મહાભારતના શાંતિ પર્વમાં પરાશર ઋષિ જનક રાજાને કહે છેઃ “બુદ્ધિમાનોમાં આત્મજ્ઞાની શ્રેષ્ઠ છે અને તેમાં પણ અહંકારરહિત છે, તેને તો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.”
મહાન પુરુષોની મહાનતા એ તેઓની ‘નમ્રતા’નો જ પર્યાય છે. બુદ્ધિબળથી પ્રાપ્ત થતી મોટપના ભપકાથી અન્યને ભારોભાર આંજી દેવાનું તેઓને પસંદ નથી. તેઓની નમ્રતાનું આંજણ આપોઆપ લોકનજરે અંજાય છે અને એટલે જ, તેઓ લોકહૃદયે અંકાય છે. આ જ તેમની ખરી મોટપ છે, મહાનતા છે.
કબીરજી પણ લખે છે, “ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ… નીચા નીચા જો કોઈ ચાલે, તો સબસે ઊંચા હોય…. મીઠા મીઠા સબ કોઈ પીએ, કડવા ન પીએ કોઈ, કડવા કડવા જો કોઈ પીએ, સબસે મીઠા હોઈ… રામ રસ ઐસો હૈ મેરે ભાઈ…”
નમ્રતાની જુદી-જુદી અનેક કક્ષાઓ છે. જેની પ્રસંગોપાત પરખ થાય છે. વાંક વિનાના આક્ષેપો સામે, શબ્દોની ઝપાઝપી વડે સાચા-ખોટાના વાદ-વિવાદમાં ન પડતા નમ્રતાથી ભૂલ પોતાના માથે લઈને માફી માંગવામાં આવે તે નમ્રતાની સૌથી ઊંચી કક્ષા છે, જેને નિતાંત નમ્રતા કહે છે. એ ઊંડી અને અમીટ છાપ છોડી જાય છે.
તો નવા વર્ષે આ સંકલ્પ લઈએ, મહાન પુરુષોનાં પગલે પગલે સદગુણોમાં શિરસ્થ એવી નિતાંત નમ્રતાને આપણી જીવનશૈલીમાં મહત્ત્વ આપીએ, કારણ કે સારા બનવું વધારે મહત્ત્વનું છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)