મુંબઈઃ વર્ષ 2020નું પ્રથમ સૂર્યગ્રહણ આજે થયું હતું અને તે મુંબઈ, દિલ્હી સહિત ભારતમાં ઘણે ઠેકાણે જોવા મળ્યું હતું. વર્ષ 2020નું આ ત્રીજું ગ્રહણ હતું. આ પહેલાંના બંને ચંદ્રગ્રહણ હતા, જે જાન્યુઆરી અને જૂન મહિનામાં થયા હતા.
આજનું સૂર્યગ્રહણ દુર્લભ એટલા માટે હતું કે તે ખંડગ્રાસ અને ખગ્રાસ સૂર્યગ્રહણની વચ્ચેના મિશ્ર પ્રકારનું એટલે કે કંકણાકૃતિ ગ્રહણ હતું. સવારે સવા નવ વાગ્યાની આસપાસ શરૂ થયું હતું અને બપોરે 3.05 સુધી ચાલ્યું હતું. ગ્રહણ વખતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી લાઈનમાં આવી ગયા હતા. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી ગયો હતો અને એને કારણે આકાશમાં ચમકતી વીંટી જેવો આકાર સર્જાયો હતો.
મુંબઈ, નવી દિલ્હી, જમ્મુ, કોલકાતા, હૈદરાબાદ, ભૂવનેશ્વર, ચેન્નાઈ, પટના, શિલોંગ એમ ઘણે ઠેકાણે આકાશમાં આ ગ્રહણ જોવા મળ્યું હતું. ચોમાસાની ઋતુને કારણે આકાશમાં વાદળો હોવાને કારણે ઘણે સ્થળે ગ્રહણ પૂરું જોવા મળ્યું નહોતું. આ ગ્રહણ નરી આંખે જોવાથી આંખોની રોશનીને નુકસાન થઈ શકે છે એવી અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી તેથી લોકોએ ટેલિસ્કોપ, બાયનોક્યૂલર્સ અને ખાસ સુરક્ષિત પ્રકારના ચશ્મા પહેરીને કે પ્રોટેક્ટિવ ફિલ્ટર્સની મદદથી ગ્રહણ જોયું હતું.
આ દાયકામાં આ છેલ્લું કંકણાકૃતિ સૂર્યગ્રહણ હતું.
લોકોને સવારે 10 અને 2.28 વાગ્યા વચ્ચેના સમયમાં સૂર્ય આંશિક રીતે ઢંકાઈ ગયો હતો.
ગ્રહણ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. મહત્તમ સમયે, સૂર્ય 84 ટકા જેટલો ઢંકાઈ ગયો હતો.
સૂર્ય જાણે એક તરફથી કપાઈ ગયો હોય એવું દ્રશ્ય દેખાયું હતું. વાસ્તવમાં સૂર્યનો એ ભાગ ચંદ્ર વચ્ચે આવી જતાં ઢંકાઈ જતાં એવું દ્રશ્ય બન્યું હતું.