જીવન વીમા નિગમ એટલે કે LICનું ખાનગીકરણ કરવાનું સરકારે નક્કી કર્યું છે. બજેટમાં તે માટેની જાહેરાત થઈ છે અને હવે તેની પ્રક્રિયા શરૂ થશે. LIC યુનિયન અને કર્મચારીઓનો વિરોધ છે, પણ બજારમાંથી નિર્ણયને આવકાર પણ મળ્યો છે. LIC પાસે જંગી અસ્ક્યામતો છે અને વેરામાંથી આવકો વધારવી મુશ્કેલ છે ત્યારે સરકાર પાસે ખાનગીકરણને આગળ વધારવા સિવાય કોઈ વિકલ્પ પણ નથી. એર ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમનું પણ ખાનગીકરણ કરવાનું છે. એર ઇન્ડિયા પર જંગી દેવું હોવાથી તેને લેવા કોણ તૈયાર થશે તે જોવાનું રહ્યું. પરંતુ LICના શેર વેચવામાં સરકારને સરળતા રહેશે. આગામી નાણાકીય વર્ષ માટેના અંદાજપત્રમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કરીને 2.1 લાખ કરોડ ઊભા કરવાનો અંદાજ મૂક્યો છે. તેમાંથી સૌથી વધુ રકમ, કદાચ 70,000 કરોડ જેટલી રકમ LICના શેર વેચીને મેળવવાનો અંદાજ છે. આ અંદાજ પાર પાડી શકે છે, કેમ કે LICની અસ્ક્યામતો 36 લાખ કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે. આજેય જીવન વીમામાં LICનો હિસ્સો 70 ટકા છે અને સવા ત્રણ લાખ કરોડનું પ્રિમિયમ દર વર્ષે મેળવે છે. LIC કરેલા રોકાણો પર સવા બે લાખ કરોડની આવક થાય છે.
LICના આ રોકાણો જ તેને મૂલ્યવાન બનાવે છે, પણ હાલના સમયમાં LIC પાસે કરાવાયેલા રોકાણનો વિવાદ પણ થયો છે. આવી જ એક સરકારી કંપની ONGCનું ખાનગીકરણ કરીને તેનું ભરણું કરવામાં આવ્યું ત્યારે પૂરતા પ્રમાણમાં ભંડોળ મળે તેવું લાગતું નહોતું. ONGCનો આઇપીઓ નિષ્ફળ જાય તેવું લગાતું હતું, ત્યારે 1.4 લાખ કરોડ રૂપિયા રોકવા માટે LICને ફરજ પાડવામાં આવી હતી. આઈડીબીઆઈ બેન્કની હાલત કથળી ગઈ ત્યારે તેમાં પણ LICને પૈસા નાખવાની ફરજ પાડવામાં આવી હતી. આઈડીબીઆઈમાં LICના સાતેક ટકાનો હિસ્સો હતો. તે હિસ્સો વધારીને 51 ટકા કરવામાં આવ્યો, પણ તે માટે મોટી મૂડી LICએ બેન્કમાં નાખવી પડી હતી. આ રીતે LICના પૈસા જુદી જુદી જગ્યાએ રોકાતા હતા, પણ તેનાથી ઉલટાનું નુકસાન થાય છે તેવો અભિપ્રાય નાણા બજારના નિષ્ણાતોએ આપ્યો હતો.
આ તો એક ખિસ્સામાંથી પૈસા કાઢીને બીજા ખિસ્સામાં નાખવા જેવું જ હતું. સરકાર ખાનગીકરણ કરે, પણ અસલમાં મૂડી હાથમાં આવે નહિ. એર ઇન્ડિયામાં કર્મચારીઓની સંખ્યા વધારે છે અને તેમના ખર્ચા ભારે છે. 80,000 કરોડ રૂપિયાનું દેવું છે. તેનો બોજ લેવા કોઈ ખાનગી કંપની તૈયાર લાગતી નથી. પણ LICનું ભરણું થાય તો ખાનગી વીમા કંપનીઓ તેમાં શેર લેવા પડાપડી કરી શકે છે. સાથે જ છુટક રોકાણકારો પણ તેનું ભરણું ભરશે. આખી વાત વિવાદ વિના પાર પડશે કે કેમ તે જોવા રાહ જોવી પડશે, પણ કૌભાંડોની વાત નીકળી ત્યારે LIC અંગેનું એક કૌભાંડ જૂના લોકો તરત યાદ કરતાં હોય છે. તેને મુંધ્રા કૌભાંડ તરીકે ઓળખાવામાં આવે છે. આઝાદ ભારતની પ્રથમ નાણાકીય ગોલમાલ તરીકે તેને યાદ કરવામાં આવે છે. તેના રાજકીય પડઘા પણ પડ્યા હતા, કેમ કે વડા પ્રધાન જવાહરલાલ નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ સંસદમાં આ કૌભાંડ ગજાવ્યું હતું અને તેના કારણે નહેરુના માનિતા કૃષ્ણામાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું.
જગમોહન મુંધ્રાની કંપનીઓ કાનપુરમાં હતી, પણ તેમાં ગરબડો ચાલતી હતી. મુંધ્રા રીઢો હતો અને તેણે અનેક નાણાકીય ગોલમાલ કરી હતી. તેની કંપનીઓ દેખાડા માટેની જ હતી. આમ છતાં તેની કંપનીઓના 1,26,86,100 રૂપિયાના શેર LIC ખરીદે તેવી ગોઠવણ કરાઈ હતી. સવા કરોડ રૂપિયા 1957માં બહુ મોટી રકમ હતી. ડિસેમ્બર 1957માં કૌભાંડ બહાર આવ્યું ત્યારે શરૂઆતમાં તેને બહુ મહત્ત્વનું ના ગણવા કોશિશ થઈ હતી, પણ ફિરોઝ ગાંધીએ સંસદમાં પત્રવ્યવહાર રજૂ કરીને, એક પછી એક વિગતો રજૂ કરીને પટેલ અને કૃષ્ણામાચારીનું જ આ કૌભાંડ છે તેવું પ્રસ્થાપિત કર્યું હતું.
ભારે હંગામા પછી નહેરુએ તપાસ પંચ નિમવું પડ્યું હતું. એમ.સી. ચાગલાનું એક સભ્યનું પંચ નિમાયું હતું. ચાગલા પંચની ઝડપી કાર્યવાહીને કારણે આખરે ટી.ટી. કૃષ્ણામાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું. ફિરોઝ ગાંધીની જેટલી જ અગત્યની ભૂમિકા ચાગલાની બની ગઈ હતી, કેમ કે તેમણે દબાણમાં આવ્યા વિના 24 દિવસમાં જ કામગીરી આટોપી લીધી હતી.
ચાગલા અને મોરારજીભાઈનો એક કિસ્સો ઘણા ધારાશાસ્ત્રીઓ યાદ કરે છે. કોઈ જગ્યાએ ભોજન સમારંભમાં બંને ભેગા થઈ ગયા હતા. મોરારજીભાઈએ તમતમીને કહ્યું કે તમે કેમ સરકારવિરોધી ચુકાદા આપો છો. ત્યારે ચાગલાએ પણ સામે સંભળાવી દીધું કે ચુકાદા આપવાનું કામ ન્યાયતંત્રનું છે અને તે પોતાની રીતે કરશે. તમે મુખ્યપ્રધાન તરીકે તમારું જે કામ હોય તે કરો. અખબારોમાં આ કિસ્સો બહુ ચગ્યો હતો.
મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યા પછી 1918-21 દરમિયાન ઑક્સફર્ડમાં ભણવા ગયા હતા. 1922માં બૉમ્બે હાઈકોર્ટમાં વકાલત શરૂ કરી હતી. જમશેદજી કાંગા અને મોહમ્મદ અલી ઝીણા સાથે તેમણે કામ કર્યું હતું. ઝીણાની મુસ્લિમ લીગમાં પણ તેઓ જોડાયા હતા, પણ આગળ જતા ઝીણાએ અલગ રાષ્ટ્રની માગણી શરૂ કરી પછી તેઓ તેમનાથી જુદા પડી ગયા હતા. 1927માં ગવર્નમેન્ટ લૉ કોલેજમાં પ્રાધ્યાપક બન્યા હતા અને બાબાસાહેબ આંબેડકર સાથે પણ કામ કર્યું હતું.
LIC પણ પ્રથમથી જાહેર ક્ષેત્રની કંપની નહોતી. વીમાનું ક્ષેત્ર ભારતમાં નાનું હતું અને ખાનગી કંપનીઓના હાથમાં જ હતું. 1956માં જ વીમા ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કરીને ભારતીય જીવન વીમા નિગમની રચના કરવામાં આવી હતી. ધીમે ધીમે LIC મજબૂત થતી રહી અને આજે આખું ચક્કર પૂર્ણ થઈને ફરીથી ખાનગીકરણ કરવાની વાત આવી છે. LICનું રાષ્ટ્રીયકરણ થયું અને તે સરકારી હાથોમાં આવી અને તરતના વર્ષમાં જ તેમાં મોટું મુંધ્રા કૌભાંડ થયું હતું. હવે LICનું ખાનગીકરણ થવાનું છે ત્યારે કેટલા ટકા શેર વેચવા કઢાશે અને ખાનગી ડિરેક્ટર્સ તરીકે તેમાં કોણ મૂકાશે તે બધી બાબતો મહત્ત્વની બની રહેશે. આગળ જતા LICના ખાનગીકરણથી કયું ખાનગી કોર્પોરેટ જૂથ ફાવી ગયું તેના વિવાદો પણ થઈ શકે છે. જોકે વિવાદો દબાવી દેવાનું હવે વધારે સહેલું બન્યું છે. એ જમાનામાં સસરા સામે જમાઈ સંસદમાં હોબાળો મચાવતા હતા, આજે એક પક્ષ પોતાના હરિફ પક્ષને પણ ભીંસમાં લેવા તૈયાર દેખાતો નથી. બધા રાજકીય પક્ષના નેતાઓ કુલડીમાં ગોળ ભાંગી લે છે. ભેગા મળીને જ કૌભાંડો કરી લે છે એટલે સંસદમાં LIC જેવું કોઈ કૌભાંડ ગાજ્યું હોય અને કોઈ પ્રધાને રાજીનામું આપવું પડ્યું હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે.