IND vs AUS: શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નહીં જાય

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે આ ફાસ્ટ બોલરની ફિટનેસ અંગે માહિતી આપી અને તેને ઓસ્ટ્રેલિયા સામેની આગામી બે ટેસ્ટ માટે અનફિટ જાહેર કર્યો. તાજેતરમાં, ત્રીજી ટેસ્ટ મેચ પછી, કેપ્ટન રોહિત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના અધિકારીઓને શમીની ફિટનેસ પર સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું હતું અને હવે ભારતીય બોર્ડે તેને અનફિટ જાહેર કર્યો છે.

શમીને ઘૂંટણની ઈજાને કારણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટેની 18 સભ્યોની ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. શમી ગયા વર્ષે ઓડીઆઈ વર્લ્ડ ફાઈનલથી ભારતીય ટીમની બહાર છે અને રણજી ટ્રોફી દ્વારા મેદાનમાં પરત ફર્યો હતો. શમી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યો છે અને BCCIની મેડિકલ ટીમ તેના પર સતત નજર રાખી રહી હતી.

શમીના ઘૂંટણમાં થોડો સોજો છે

બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે શમી ઘૂંટણની ઈજાને કારણે લાંબા સમયથી ટીમની બહાર છે અને તેઓ શમીના ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા રાખે છે. શમીની ફિટનેસ અંગે માહિતી આપતાં BCCIએ કહ્યું કે, BCCIની મેડિકલ ટીમ ભારતીય ફાસ્ટ બોલર શમી સાથે નજીકથી કામ કરી રહી છે જેથી તે ઈજામાંથી જલ્દી બહાર આવી શકે. શમી પગની ઘૂંટીની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો હતો. શમીએ રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે બંગાળ માટે 43 ઓવર ફેંકી હતી. વધુમાં, તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તમામ નવ મેચો રમી હતી, જ્યાં તેણે ટેસ્ટ મેચો માટે ફિટ થવા માટે વધારાના બોલિંગ સત્રોમાં ભાગ લીધો હતો.

જોકે, BCCIએ કહ્યું હતું કે બોલિંગ વર્કલોડને કારણે શમીના ડાબા ઘૂંટણમાં થોડો સોજો હતો. લાંબા સમય સુધી સતત બોલિંગ કર્યા પછી સોજો અપેક્ષિત સ્તરે છે. વર્તમાન તબીબી મૂલ્યાંકનના આધારે, BCCIની તબીબી ટીમે નક્કી કર્યું છે કે તેના ઘૂંટણને બોલિંગના ભારને નિયંત્રિત કરવા માટે વધુ સમયની જરૂર છે. આ કારણોસર શમીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો નથી.

વિજય હજારે ટ્રોફીમાં રમવા પર શંકા

શમી ગયા અઠવાડિયે દિલ્હી સામેની વિજય હજારે ટ્રોફીની બંગાળની પ્રથમ મેચમાં રમ્યો ન હતો. BCCIએ પુષ્ટિ કરી છે કે મેડિકલ ટીમ શમીના વર્કલોડ પર સતત નજર રાખી રહી છે અને વિજય હજારે ટ્રોફી ODI ટૂર્નામેન્ટમાં તેનું રમવું તે કેટલી ઝડપથી સ્વસ્થ થાય છે તેના પર નિર્ભર રહેશે. બીસીસીઆઈએ કહ્યું, શમી બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સમાં મેડિકલ સ્ટાફના નિરીક્ષણ હેઠળ રહેશે અને રમતના લાંબા ફોર્મેટ માટે ફિટ થવા માટે તેના બોલિંગ વર્કલોડ પર કામ કરશે. વિજય હજારે ટ્રોફીમાં તેનું રમવું તેના ઘૂંટણ કેટલી ઝડપથી સાજા થાય છે તેના પર નિર્ભર રહેશે.