પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે એમને ખતમ કરી નાખવા ‘લાક્ષાગૃહ’નો કારસો યોજાયો હતો. ઝડપથી સળગી ઉઠે એવા મટીરીયલથી આ મકાન બનાવવામાં આવ્યું હતું. તેને મધરાતે આગ લગાડી દેવામાં આવી. સહદેવ ત્રિકાળજ્ઞાની હતો. અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો એને ખબર હતો. એને અભિશાપ હતો કે, ‘કોઈ પૂછે તો જ એ આ વાત કહી શકે.’ આખાય પ્રસંગનું સરસ મજાનું વર્ણન કવિ મણિશંકર રત્નજી ભટ્ટ-‘કાન્ત’એ ‘અતિજ્ઞાન’ નામના ખંડકાવ્યમાં કર્યું છે.
આ શાપને કારણે એના પર લદાયેલ મૂંઝવણ સહદેવના મનમાં ઘૂઘવાટા મારે છે. અંદરથી એનું મન ફાટી જાય છે પણ એ બોલી નથી શકતો. છેવટે છેલ્લી ઘડીએ એને પૂછવામાં આવે છે અને એ લાક્ષાગૃહમાંથી ભાગી છૂટવાનો રસ્તો બતાવે છે, જે થકી પાંડવો બચી જાય છે.
કેટલીક પેઢી અથવા કોર્પોરેટ હાઉસમાં પોતાના મિથ્યાભિમાનથી પીડાતા કેટલાક અનુભવી અને સિનિયર એવા હોય છે કે એમને પૂછો તો જ જવાબ આપે. આવા નમૂનાઓ ઘણા બધા કુટુંબોમાં પણ હોય છે. પરિણામ? પાંડવો તો છેલ્લી ઘડીએ ભાગી છૂટ્યા. પણ કેટલાક કોર્પોરેટ હાઉસ, કુટુંબો અતિજ્ઞાનના અભિશાપમાં બધું ખોઈ બેસે છે. આ સહદેવનું જ્ઞાન ક્યારેક અજ્ઞાન કરતાં વધુ મોંઘું અને જોખમી પુરવાર થાય છે.
તમારી પાસે સિનિયોરિટી અને વિશેષ જ્ઞાન છે તો કોઈ પૂછે તો એની રાહ શું કરવા જુઓ છો? એ કામની જવાબદારી તમે ઉપાડી લો. સરવાળે ફાયદો જ ફાયદો છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)