અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, હૈદરાબાદ પોલીસે મોકલ્યું સમન્સ

હૈદરાબાદના સંધ્યા સિનેમા હોલમાં ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગને લઈને અભિનેતા અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી ગઈ છે. હૈદરાબાદ પોલીસે અભિનેતાને સમન્સ જારી કર્યું છે. તેમને મંગળવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. નાસભાગની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં તેણે એક રાત જેલમાં વિતાવી છે. હાલ તે જામીન પર બહાર છે.

4 ડિસેમ્બરે હૈદરાબાદમાં ‘પુષ્પા 2’ ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. સોમવારે સવારે ફિલ્મ ‘પુષ્પા-2’ના નિર્માતાઓએ નાસભાગમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી. ફિલ્મ નિર્માતા નવીન યરનેની હોસ્પિટલ પહોંચ્યા જ્યાં મૃતક મહિલાના આઠ વર્ષના પુત્રની સારવાર કરવામાં આવી રહી છે અને પરિવારને ચેક સોંપવામાં આવ્યો. મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમણે પત્રકારોને જણાવ્યું કે મહિલાના પતિને ચેક સોંપવામાં આવ્યો કારણ કે તે પરિવારને મદદ કરવા માંગતો હતો.

અલ્લુ અર્જુનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી

દરમિયાન, પોલીસે અલ્લુ અર્જુનના ઘરે તોડફોડની ઘટનાના એક દિવસ બાદ સોમવારે તેના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી હતી. ઓસ્માનિયા યુનિવર્સિટી-જોઈન્ટ એક્શન કમિટી (OU-JAC) ના સભ્યો હોવાનો દાવો કરતા છ લોકોએ રવિવારે સાંજે અર્જુનના ઘરે ફૂલના વાસણને નુકસાન પહોંચાડ્યું હતું અને ટામેટાં ફેંક્યા હતા. તોડફોડની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટે જામીન આપ્યા છે.