ગુજરાત સહિત દેશભરમાં HMPVના કેસ વધ્યા, વાયરસની સામે લડવા માટે તંત્ર સજ્જ

ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે. બીજી બાજુ નિષ્ણાતોના મતે આ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઇરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે.

સોમવારે અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં HMPV ચેપ જોવા મળ્યો હતો. આ બાળક રાજસ્થાનનું છે અને સારવાર માટે અમદાવાદ પહોંચ્યું હતું. આ પહેલા સોમવારે સવારે કર્ણાટકમાં 3 મહિનાની છોકરી અને 8 મહિનાના છોકરામાં આ વાઇરસ જોવા મળ્યો હતો. બંને બાળકોની બેંગલુરુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં પણ પાંચ મહિનાના બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તમિલનાડુના ચેન્નાઈમાં પણ બે બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. તેમના વિશે હજુ વધુ માહિતી બહાર આવી નથી. આમ કુલ દેશમાં 8 કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે, ‘આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા 2001માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં લેવા અમે તૈયાર છીએ.’ એચએમપી વાઇરસનો કેસ નોંધાયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. જેને પગલે શહેરની સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાઈરસના દર્દી માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઇરસને લઈને હાલમાં ગભરાવવાની જરૂર નથી. વાઇરસની સામે લડવા માટે તંત્ર સજ્જ છે.