ગર્ભાવસ્થા સ્ત્રી માટે સુવર્ણ કાળ હોય છે. તે વખતે સ્ત્રીનો આનંદ, તેના ચહેરા પરનું તેજ કંઈક અનેરું જ હોય છે. સહેજ પેટ વધી જાય તો ડાયેટિંગ કરવા લાગતી સ્ત્રીને ગર્ભાવસ્થામાં વધેલું પેટ નડતરરૂપ થતું નથી. પેટની અંદર બાળકની પ્રત્યેક ક્રિયા દુઃખાવો આપે તો પણ અંદરથી તેને આનંદ જ આપતી હોય . પરંતુ આ સમય દરમિયાન કેટલીક બાબતોનું સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ફર્નિચર કે ભારે વસ્તુન ખસેડવી
સ્ત્રીને ઘર સાફસૂથરું રહે તે પસંદ હોય છે. પરંતુ પતિ કે બીજાં સ્વજનો ન હોય ત્યારે ઘર સાફસૂથરું રાખવા માટે કોઈ ચીજ ખસેડવી પડે તેમ હોય તો તેમ કરવું નહીં. તેમ કરવા જતાં પેટ પર ભાર આવે છે અને બની શકે કે તમને કસુવાવડ અથવા એબૉર્શન થઈ જાય. પતિ કે બીજાં સ્વજન આવે ત્યાં સુધી રાહ જુઓ. આ જ રીતે રસોઈ કરવામાં પણ તેલ કાઢવાનું હોય કે ગેસનો બાટલો બદલવાનો હોય તો પણ જાતે કરવાના બદલે કોઈની રાહ જુઓ. સામાન્ય સંજોગોમાં તમે એકલા આ કામ કરવા જેટલાં શક્તિશાળી હશો જ પરંતુ ગર્ભાવસ્થામાં આ કામ ન કરો.
ચુસ્ત કપડાં ન પહેરો
કેટલીક સ્ત્રીઓને વધેલું પેટ શરમ અપાવે છે. ખાસ કરીને બહાર જવાનું હોય ત્યારે તેને થાય છે કે આ પેટ સાથે ક્યાં બહાર જવું. વળી, સામાન્ય સંજોગોમાં ચુસ્ત કપડાં પહેરવાની ટેવ હોય છે. પરંતુ ગર્ભાવસ્થામાં આ ટેવ યોગ્ય નથી. ઢીલાં અને ખુલતાં કપડાં પહેરો.પેટ પર નાડું ચુસ્ત ન બાંધો. તેના કારણે પેટની અંદર રહેલા બાળકની હલચલ અવરોધાઈ શકે છે.
સેક્સને ટાળો
ગર્ભાવસ્થા દરમિયાન સેક્સની આરોગ્ય નિષ્ણાતો ના પાડતા નથી. પરંતુ તેમ છતાં સેક્સને ટાળવું હિતાવહ છે કારણકેસેક્સના આવેશમાં પેટ પર જો ભારઆવે કે અસલામત સેક્સ કરવા જશો તો બાળકને પણ ચેપ લાગી શકે છે. વળી, ઘણી વાર સ્ત્રી પણ થાક અનુભવતી હોય છે. તેને ઉલટી, નિદ્રા, સુસ્તીનો અનુભવ થતો હોય છે. આથી પતિને ખુશ કરવા સ્ત્રીએ સેક્સ માટે હા પાડવી જોઈએ નહીં.
ચીરાની ચિંતા ન કરો
કેટલીક સ્ત્રીઓ સ્ટ્રેચમાર્કથી ગભરાઈ જાય છે. તેમને લાગે છે કે તેમનું સૌંદર્ય હણાઈ જશે. પરંતુ તેની ચિંતા કરવા જેવી નથી. સ્તન કે પેટ પર ઘણી વાર સ્ટ્રેચ માર્ક આવે છે કારણકે શરીર ખેંચાતું હોય છે અને તેના કારણે આ નિશાનીઓ બને છે, પરંતુ સમય જતાં તે દૂર થઈ જાય છે. અને નહીં તો પણ, બાળક મેળવવાની ખુશીમાં થોડુંક જતું કરવું પડે.
મુસાફરી ટાળો
આ સમય દરમિયાન મુસાફરી ટાળવી જોઈએ. તેનું પહેલું કારણ સામાન પેક કરવો છે. તમારા પતિ જો સહકાર આપતા હોય તો ઠીક છે, અન્યથા સામાન તમારે પેક કરવાનો આવશે. બીજું, મુસાફરી દરમિયાન રસ્તામાં ખાડા આવશે (બસ કે ટ્રેનમાં જશો તો ડ્રાઇવર તમારી સુવિધા મુજબ નહીં ચલાવે) તો તેનાથી ઘણી તકલીફ પડશે. કારમાં જતા હશો તો પણ રસ્તામાં ખાડા તો હશે જ. રેલવે સ્ટેશને કે બસ સ્ટેશને તમે તમારી જાતને જોઈએ તેટલી સાચવી નહીં શકો. બધા તમારું ધ્યાન રાખવા વાળા નહીં હોય. બસ કે ટ્રેનમાં ચડતી વખતે કોઈની બેગ કે બીજો કોઈ સામાન તમારા પેટ પર લાગી ગયો તો તમે હંમેશ માટે પસ્તાશો.
ગર્ભવતી છો તો પૂરતું ધ્યાન રાખો
કેટલીક સ્ત્રીઓ પોતાની આરોગ્ય તકલીફો કોઈને કહેવાનું પસંદ કરતી નથી. તેમને નથી ગમતું કે કોઈ તેમના પર દયા ખાઈને તેમનાં કામો કરી દે. પરંતુ યાદ રાખો, ગર્ભાવસ્થા એ આરોગ્યની તકલીફ નથી. અને પરિવારમાં તમે ગર્ભવતી છો તેના કારણે તમારે કેટલાંક કામો નથી કરવાનાં તે તમે નહીં કહો અને વારંવાર યાદ નહીં અપાવો તો તમારા પતિ અને સાસુ સહિત કોઈને યાદ નથી આવવાનાં. બાળક જ્યારે જન્મીને મોટું થશે ત્યારે બધાં જ “અમારું બાળક છે” તેમ કહી હક જમાવશે, પરંતુ તે બાળકને જન્મ આપવા માટેની કાળજી તમારે તમારા પરિવારને પણ સમજાવવાની છે.
ખાવાપીવાની બરાબર કાળજી રાખો
કેટલીક સ્ત્રીઓને પોતાની માગણીઓ કરવાનું પસંદ હોતું નથી. તેમને કોઈ ચીજ જોઈતી હોય તો એકાદ વાર પતિને કહે અને પછી જો ન આવે તો સ્વમાની એવી આ સ્ત્રીઓ ફરી યાદ અપાવતી નથી અને તેના વગર રોડવી લે છે. ચલાવી લે છે. પરંતુ ગર્ભાવસ્થામાં તેમ કરવું નહીં. ખાવાપીવાથી લઈને આરોગ્ય બાબતે જે કંઈ કરવાનું હોય તે સ્પષ્ટ અને આદેશાત્મક પરંતુ નમ્ર સ્વરે કહી જ દેવાનું. ડૉક્ટરને બતાવવા જવાનું હોય કે પછી દવા લાવવાની હોય કે પછી કેસર, ડ્રાય ફ્રૂટ વગેરે ખાવાપીવાની ચીજો હોય, તેને ત્વરિત મગાવી જ લો. બાળક રૂપાળું અને બુદ્ધિમાન થશે તો પરિવારના બધા જ તેનો યશ લેશે પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તો તમારે જ કાળજી રાખવી પડશે.