આજની આધુનિક લાઈફસ્ટાઈલ તેમજ સગવડભર્યાં સાધનોને લીધે મોટેરાંથી માંડીને બાળકો સુદ્ધાં આરામપ્રિય થતાં જાય છે. ઘરનું ખાવાનું કોઈને ભાવતું નથી. બહારનું જંક ફુડ જે પાશ્ચાત્ય દેશોની દેણ છે, તે સહુને ભાવે છે. શાક-રોટલી, દાળ-ભાતનું નામ લેતાં સહુ કોઈ મોઢું બગાડે છે જ્યારે બર્ગર, પિઝા નામ સાંભળતાં જ ચહેરા પર ચમક આવી જાય છે. આ વાત ફક્ત બાળકોની જ નથી. પણ મોટેરાં પણ આમાં આવી જાય છે!
ઉપરાંત આખો દિવસ કમ્પ્યુટર અને મોબાઈલની ગેમમાં જ રચ્યાં પચ્યાં લોકોને તબિયતને લગતાં કોઈ વિચાર નથી આવતાં. આમાંને આમાં શરીર અદોદડું થઈ જાય ત્યારે ફક્ત વિચાર આવે કે તબિયત આટલી વધી કેમ ગઈ?
અને શરૂ થાય આડેધડ જાત જાતનાં અખતરાં, જીમ, કસરત, ડાયેટીંગ. એમાંય ફરક ના જણાય તો ભૂખ્યાં રહેવાનું શરૂ થઈ જાય! કહેવાનો અર્થ એ કે, ઘણાં ખરાં પોતાની સગવડ મુજબના અખતરાં કરે છે, તે પણ ડોક્ટર કે કોઈ નિષ્ણાંતોની સલાહ લીધાં વગર.
આમાં ફરક ન થાય એટલે સૂઝે વેઈટ લોસ સર્જરી!
આધુનિક વેઈટ લોસ સર્જરીથી શરીરનું જાડાપણું તો ઓછું થઈ જાય છે. પણ ત્યારબાદ ખાન-પાન કે કસરતનું ધ્યાન ન રાખવામાં આવે તો શરીર કુપોષણથી ગ્રસ્ત થઈ જાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, ‘વેઈટ લોસ સર્જરી અદોદડું શરીર ધરાવનાર માટે વરદાનરૂપ ભલે છે. પણ ત્યારબાદ જો જીવનશૈલીમાં બદલાવ ન લાવો, તમારી રહેણી-કરણી ના સુધારો. તો એ જ વરદાન તમારાં શરીર માટે શ્રાપરૂપ સાબિત થાય છે. એટલે કે, રોજનો જરૂરી વ્યાયામ તેમજ તંદુરસ્ત ખોરાકની આદત ના રાખો, તો શરીર અનેક રોગ જેવાં કે, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અનિદ્રા તેમજ હાઈ કોલેસ્ટ્રોલ વગેરેનું ઘર થઈ જાય છે.
બેરિયાટ્રિક સર્જરી (Bariatric Surgery) એક એવી સર્જરી છે. જેનાથી વ્યક્તિને જાડાંપણાંથી મુક્તિ મળી જાય છે. આ સર્જરીમાં ત્રણ પ્રકારની સર્જરીના પ્રયોગ થાય છે. જેમ કે, રૂક્ષ-એન-વાય ગેસ્ટ્રીક બાયપાસ (Roux-en-Y Gastric Bypass), વર્ટીકલ સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી (Vertical Sleeve Gastrectomy) અને લેપ્રોસ્કોપિક એડ્જસ્ટેબલ ગેસ્ટ્રીક બેન્ડીંગ (Laparoscopic Adjustable Gastric Banding).
બેરિયાટ્રિક સર્જરીનાં અવળી અસર પણ થઈ શકે છે. જેમ કે, ચેપ લાગવો, હાડકાં નબળાં પડવા, કુપોષણ, ગેસ તેમજ એસિડિટીની સમસ્યા અને ગર્ભધારણામાં અવરોધ આવવો વગેરે સમસ્યાઓ આવી શકે છે.
દિલ્હીના આઈ.પી. એપોલો હોસ્પિટલના ઈન્વેસિવ સર્જરી વિભાગના વરિષ્ઠ સલાહકાર ફૈઝલ મુમતાઝે આ બાબતે કહ્યું કે, ‘આ સર્જરી કાં તો રીસ્ટ્રીક્ટીવ (Restrictive bariatric surgery) અથવા સંયુક્ત રીતે એટલે કે, રીસ્ટ્રીક્ટીવ સાથે મેલેબ્સોર્પ્ટીવ સર્જરી (Malabsorptive bariatric surgery) કરવી જોઈએ. રીસ્ટ્રીક્ટીવ સર્જરી પેટનો આકાર ઓછો કરે છે. જેથી ખોરાક ગ્રહણને સીમિત કરી દે છે. અને પેટ ભરેલું હોય એવું લાગે છે. જ્યારે ફક્ત મેલેબ્સોર્પ્ટીવ સર્જરી શરીરમાં પોષણને સીમિત કરે છે. દર્દીને પોષણ સપ્લીમેન્ટ (આયર્ન, બી-1, બી-2, બી-12) આપવામાં આવે છે.’
તાજેતરમાં ક્લિનિકલ ગેસ્ટ્રોએંટ્રોલોજી અને હેપેટોલોજી (gastroenterology and hepatology)માં છપાયેલા એક લેખ પ્રમાણે સંશોધનકર્તાઓના ધ્યાનમાં આવ્યું છે કે, રૂક્ષ-એન-વાય ગેસ્ટ્રીક બાયપાસ (Roux-en-Y Gastric Bypass) અને વર્ટીકલ સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી (Vertical Sleeve Gastrectomy)ને કારણે શરીરમાં વિટામિન બી-12 અને આયર્નની ખામી થાય છે. વિટામિન બી-12ની ખામીને લીધે તણાવ, હતાશા, ચિડિયાપણું તેમજ યાદશક્તિની કમી થાય છે.