આપણે એમ માનીએ કે ભારતમાં જ તબીબી સારવાર ખરાબ છે કે તબીબી સ્ટાફ દર્દીઓની ઉપેક્ષા કરે છે અથવા ભારતમાં હૉસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો ઓછા છે તો એવું નથી. અમેરિકામાં ટિફની ટાટેને મિલવાઉકી રિજનલ મેડિકલ સેન્ટરમાં ચાર વર્ષ પહેલાં સ્ટ્રૉક આવેલો અને બ્રેઇન સ્ટ્રૉકની સૌથી આધુનિક અને અનુભવી સારવાર આપતી હૉસ્પિટલ ફ્રૉએડટર્ટ તેનાથી માત્ર સવા કિમી દૂર હતી. તો પણ તેને સારવાર ન મળી શકી. કેમ?
કારણકે હૉસ્પિટલ પર ક્લૉઝ્ડનું બૉર્ડ લાગેલું હતું. અમેરિકામાં ઘણી હૉસ્પિટલો આવું બૉર્ડ મારી દે છે, જેથી એમ્બ્યુલન્સને બીજી કોઈ હૉસ્પિટલે જવું પડે છે. ટાટેના કેસમાં આવું જ થયું. તેને લઈ જતી એમ્બ્યુલન્સને ચાર કિમી દૂર બીજી હૉસ્પિટલે જવું પડ્યું અને ટાટે બચી ન શકી. હૉસ્પિટલના અધિકારીઓ નક્કી કરે છે કે તેઓ બહુ વ્યસ્ત છે અને કામચલાઉ બંધ છે તેવાં પાટિયાં મારી દે છે, પરિણામે એમ્બ્યુલન્સને આવી રીતે બીજી હૉસ્પિટલે જવું પડે છે. ટાટેને જે હૉસ્પિટલે લઈ જવાઈ ત્યાં સ્ટ્રૉકની મર્યાદિત સારવાર આપવામાં આવી. આ અંગેની સ્ટૉરી યુએસએટુડેએ તાજેતરમાં પ્રકાશિત કરી છે જે અમેરિકાની ખરાબ તબીબી સારવારની પોલ ખુલ્લી પાડે છે.
અમેરિકાનો કાયદો હૉસ્પિટલોને ફરજ પાડે છે કે જે દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોય તેમને તેઓ સ્થિર ન થાય ત્યાં સુધી હૉસ્પિટલોમાંથી રજા ન આપવી કે બીજા વૉર્ડમાં ટ્રાન્સફર ન કરવા પરંતુ આ કાયદાનું પાલન થતું નથી. મિલવાઉકી જર્નલ સેન્ટિનેલે અમેરિકાનાં ૨૫ સૌથી મોટાં શહેરની સમીક્ષા કરી તો તેમાંનાં ૧૬ શહેરોમાં આ રીતે એમ્બ્યુલન્સના દર્દીને પ્રવેશ ન અપાયો. તેમાં ન્યૂ યૉર્ક, ફૉએનિક્સ, શિકાગો, લૉસ એન્જેલેસ અને નૉક્સવિલેનો સમાવેશ થાય છે.
સ્ટ્રૉક શું છે તે પણ જાણી લો.
સ્ટ્રૉક એ મગજ પરનો હુમલો છે. નસમાં ગાંઠ જામી જાય છે. લોહીનો પ્રવાહ અટકી જાય છે. દર મિનિટે લોહીનો પ્રવાહ અટકી જાય છે તેના કારણે મગજના કોષોને સમું ન કરી શકાય તેવું નુકસાન થાય છે. તેનાથી દર્દીની બોલવાની ક્ષમતા ચાલી જઈ શકે છે. તેનાથી મગજને નુકસાન અને પેરાલિસિસ થઈ શકે છે. અમેરિકામાં સ્ટ્રૉકના લીધે દર વર્ષે ૧.૪૦ લાખ કરતાં વધુ લોકો મૃત્યુ પામે છે. મૃત્યુનું આ પાંચમું સૌથી મોટું કારણ છે.
તાજું સંશોધન કહે છે કે દર્દીને સીધા સૌથી સારી સારવાર આપતા સ્ટ્રૉક કેન્દ્રો-હૉસ્પિટલોમાં મોકલવા જેથી તેઓ ગાંઠને દૂર કરતી દવા આપી શકે અથવા શસ્ત્રક્રિયાથી તેને દૂર કરી શકે તે દર્દીને બચાવવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.
પરંતુ અમેરિકામાં હૉસ્પિટલો દર્દીઓને પાછા મોકલી દે તે પાછળનું કારણ દર્દીઓનો વધુ પડતો ભરાવો છે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં હૉસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રો ઘણાં ઓછાં છે. અથવા તો એમ પણ કહી શકાય કે સારી અને શ્રેષ્ઠ સારવાર આપતી હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ઘણાં ઓછાં છે.
હવે એ જાણો કે દર્દીને બ્રેઇન સ્ટ્રૉક આવ્યો છે તે કેમ ખબર પડે?
- જ્યારે દર્દીને ધૂંધળું, કાળું કે બેવડું દૃશ્ય દેખાય.
- જયારે તેને બોલવામાં તકલીફ પડે. લોચા વળે.
- ચાલવામાં અને સંતુલન રાખવામાં તકલીફ પડે.
- માથામાં ભયંકર દુઃખાવો થાય અને સાથે ઉલટી કે બેભાન થવાની સ્થિતિ ઊભી થાય.
- એકાએક શરીરની એક તરફ પેરાલિસિસ થાય કે પગ અને હાથમાં ખાલી ચડી જાય. સુન્ન થઈ જાય.
- એકાએક માથું દુઃખવા લાગે, હસતી વખતે હોઠ એક તરફ વળી જાય.
સ્ટ્રૉકના અલગ-અલગ પ્રકાર પણ છે. ઇસકેમિક સ્ટ્રૉક સૌથી સામાન્ય પ્રકાર છે જેમાં રક્તવાહિની બંધ થઈ જાય, તેના કારણે થાય છે. તેના પાછા બે પ્રકાર છે – થ્રૉમ્બૉટિક સ્ટ્રૉક અને એમ્બૉલિક સ્ટ્રૉક. બીજો પ્રકાર છે હેમરેજિક સ્ટ્રૉક. મગજની રક્તવાહિની ફાટી જાય તો તેના કારણે તે થાય છે. તે સેરેબ્રૉવેસ્ક્યુલર રોગ જેવા કે એનેઉરીઝમ (જેમાં રક્તવાહિનીની દીવાલ પર પરપોટો અથવા ફુગ્ગો થાય છે), ઉચ્ચ રક્તચાપ (બ્લડ પ્રૅશર) અને દવાઓ જેના કારણે રક્તવાહિનીની દીવાલ નબળી પડે છે.
બ્રેઇન સ્ટ્રૉક જીવનશૈલીના કારણે સંકળાયેલો છે, જેમાં સ્થૂળતા, બેઠાડુ અને તણાવભર્યું જીવન, વધુ પડતો દારૂ પીવો, ડ્રગ્ઝનું સેવન કરવું, હૃદય બંધ પડી જવું વગેરે છે.
જીવનશૈલીમાં ફેરફાર કરવાથી બ્રેઇન સ્ટ્રૉકની શક્યતા ઘટી શકે છે. બ્રેઇન સ્ટ્રૉક આવે તો દર્દીને તાત્કાલિક સારવાર જરૂરી હોય છે.