“હું તો રોજ ચાલવા જઉં. પણ ખબર નહીં કેમ, હમણાંથી મને ઉધરસ થઈ ગઈ છે.”
“હું તો મારી તંદુરસ્તીનું એટલું ધ્યાન રાખું છું કે વાત ન પૂછો. હું પણ સવારે ચાલવા જઉં છું. તો પણ મને શ્વાસની તકલીફ થઈ ગઈ છે.”
“અરે, મને તો સવારે ચાલી આવીને થાક લાગે છે. સવારની ચોખ્ખી હવામાં શ્વાસ લેવાનો કોઈ ફાયદો દેખાતો નથી. હવે તો મેં ઘરે જ યોગ-પ્રાણાયામ શરૂ કર્યા છે. તેનાથી મને સારું લાગે છે.”
ઉપરોક્ત સંવાદો કાલ્પનિક હોવા છતાં મોટાં શહેરો માટે સાચા હોઈ શકે છે.
મોટાં શહેરોમાં રહેતા હોવાનો ફાયદો અને ગેરફાયદો બંને છે. તમને બધી સુવિધા મળી રહે પરંતુ સાથે જ પ્રદૂષણનો સૌથી મોટો ગેરફાયદો છે. ધીમેધીમે હવે મોટાં શહેરોના રહેવાસીઓ માટે શુદ્ધ હવા દુર્લભ બની રહી છે. ભારતમાં વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત પૈકીનાં ૩૦ શહેરો છે તેમ આઈક્યૂઍરવિઝ્યુઅલ અને ગ્રીનપીસનો અહેવાલ કહે છે.
અને એટલે જ આવાં પ્રદૂષિત શહેરોમાં તમે સાંજે ચાલવા જાવ કે વહેલી સવારે, શું તમને એ કસરતનો લાભ મળવાનો? નહીં જ.
લોકો ઝડપી ચાલવાને જોકે આરોગ્ય માટે ફાયદારૂપ ગણાવે છે. એમ કહેવાય છે કે ઝડપી ચાલવાથી તમે ઊંડા અને ઝડપી શ્વાસ લો છો. આમ કરવાથી તમારા રક્તપ્રવાહમાં વધુ ઑક્સિજન ભળે છે.
તમે કહેશો કે તો પછી મોટાં શહેરોમાં આ રીતે ઝડપી ચાલવું તે તો સારી વાત જ ગણાય.
પરંતુ ના. આવું નથી. જ્યારે પ્રદૂષિત વાતાવરણ હોય ત્યારે આ રીતે ઝડપી ચાલવું પણ નુકસાનકારક જ ગણાય. જ્યારે તમે આવા શહેરમાં બહાર ચાલવા જાવ છો ત્યારે ઘણા સૂક્ષ્મ કણો અને નુકસાનકારક વાયુ તમારા શ્વાસ દ્વારા અંદર ઘૂસે છે અને ફેફસાં સુધી પહોંચી જાય છે.
શ્વાસનળીમાં આના લીધે પ્રવૃત્તિ તેજ બને છે. તેના કારણે કફ અને છીંકાછીંક થાય છે.
પરંતુ જો તમે નાકના બદલે મોઢું ખુલ્લુ રાખી શ્વાસ લો તો તે તો વધુ ખતરનાક છે કારણ કે નાક દ્વારા શ્વાસ લો તો તે ગળાઈને આવે છે. ફિલ્ટર થઈને આવે છે. પરંતુ મોઢેથી શ્વાસ લો તો તેમ થતું નથી.
બને તેટલી કસરત ઘરમાં જ કરો. જો તમારે વહેલી સવારે કે સાંજે ચાલવા ગયા વગર છૂટકો જ ન હોય તો પછી વાયુની ગુણવત્તાના માપદંડ (ઍરક્વૉલિટીઇન્ડૅક્સ) પર નજર રાખો. તે શહેરોમાં સામાન્ય રીતે મળી આવતા આઠ પ્રદૂષકોની ઘનતા પર નજર રાખે છે.
આ પ્રદૂષકો કયા શહેરમાં કેટલા હશે તે ચોક્કસ કહી શકાય નહીં. તે માટે દરેક વિસ્તારનું પ્રમાણ અલગઅલગ હોઈ શકે. આથી શહેરોમાં પણ તમારે ચાલવા નીકળવું હોય તો એવા વિસ્તાર પકડો જે ટ્રાફિકથી વધુ ધમધમતો ન હોય. જો તમારા વિસ્તારમાં સવારથી જ ટ્રાફિક શરૂ થઈ જતો હોય કે તમે મુખ્ય રસ્તાની નજીક આવેલા ઘરમાં રહેતાં હો તો તમારે વાહન લઈ એવા વિસ્તારમાં જવું જોઈએ જ્યાં હરિયાળી હોય, વિસ્તાર શાંત હોય અને વાહનોની અવરજવર ઓછી હોય.
આથી કોઈ બગીચો, કે કોઈ મેદાન તમારા માટે સારું રહે. અને હા, જો તમારે વાહનોના ધૂમાડાનો સામનો કરવાનો થાય જ તો પછી એ સલાહ છે કે તમે માસ્ક પહેરીને જાવ. તેનાથી ભલે તમારા શ્વાસમાં ઑક્સિજન નહીં આવે, પણ કાર્બન ડાયૉક્સાઇડ પણ નહીં આવે. કસરત મળશે તો માત્ર પગને અને બાકીના શરીરને. આટલો ફાયદો પણ ઓછો નથી.
આરોગ્ય નિષ્ણાતો તો એમ માને છે કે પ્રદૂષિત બાહ્ય વાતાવરણમાં કસરત કરવાથી ફેફસામાં વાયુનો વિનિમય ઓછો થાય છે અને જિમમાં કસરત કરો તે કરતાં વધુ થાક તેના લીધે લાગે છે.
જોકે ૨૦૧૬નો કેમ્બ્રિજ યુનિવર્સિટીનો અભ્યાસ એવું સૂચવે છે કે ૧ ટકા શહેરો જ એવાં છે જ્યાં વાયુનું પ્રદૂષણ એટલું વધુ છે કે તમે રોજ ચાલવા જાવ તો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
અભ્યાસ મુજબ, દિલ્હી જેવા શહેરમાં તમે દિવસ દરમિયાન ૯૦ મિનિટ ચાલી શકો છો. તે ટિપિંગ પૉઇન્ટ છે. એટલે કે તેના પછી તમે ચાલો તો તમને તેનાથી આરોગ્યને કોઈ ફાયદો થવાનો નથી. અને બ્રૅકિંગ પૉઇન્ટ પ્રતિ દિવસ છ કલાક અને ૧૫ મિનિટ છે. એટલે કે આનાથી વધુ સમય તમે બાહ્ય વાતાવરણમાં રહો તો તે નુકસાન કરી શકે છે.
ખુલ્લા વાતાવરણમાં ચાલવું કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. તમને પોતાને જ અંદાજ આવી જશે કે પ્રદૂષણ છે અને તેના કારણે તમને લાભના બદલે ગેરલાભ થઈ રહ્યો છે. આથી નિષ્ણાતોની સલાહ મુજબ, નિર્ણય કરજો.