રોગો સામે લડવા માટે દવા લેવાની સાથે સાથે રોજિંદા આહારમાં ખવાતાં શાકભાજી પણ ઉપયોગી થાય છે. હાઈ બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ મળે તે નફામાં!
બ્લડપ્રેશરને લગતી જરૂરી બાબતો:
- હાઈ બ્લડપ્રેશરને લઈને હંમેશા ધ્યાન રાખવું. તેને કોઈ દિવસ અનિયંત્રિત ના થવા દેવું.
- પોટેશિયમ તત્ત્વ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે.
- હેલ્ધી ખોરાક તેમજ જીવનશૈલી હાઈપરટેન્શનને ઓછું કરવામાં સહાયક થાય છે.
- યોગ્ય આહારથી હાઈ બ્લડ પ્રેશર એટલે કે, ઉચ્ચ રક્તચાપને નિયંત્રિત કરી શકાય છે. જેમાં અમુક શાકભાજીના જ્યુસ એ માટે પોષક તત્વો પૂરા પાડે છે. આ જ્યુસ તમારા રોજિંદા ડાયેટમાં પણ લઈ શકો છો.
જો બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શનનું ધ્યાન ન રાખવામાં આવે તો હ્રદય માટે ઘાતક સાબિત થાય છે. અનિયમિત ખાનપાન તેમજ જીવનશૈલીને કારણે તાણ પણ વધી શકે છે. પણ જો એમાં બદલાવ કરવામાં આવે અને ડાયેટમાં પણ બદલાવ કરવામાં આવે તો બીપી નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ વેજિટેબલ જ્યુસનો ડાયેટમાં સમાવેશ કરવામાં આવે તો, પોષક તત્વો શરીરને પૂરા પાડવા ઉપરાંત ઉચ્ચ રક્તચાપને પણ નિયંત્રણમાં રાખી શકાય છે!
અમુક જ્યુસ જેવા કે:
લીલા પાંદડાવાળી ભાજી: આહાર નિષ્ણાતો લીલા પાંદડાવાળી ભાજી ને અવશ્ય રોજિંદા આહારમાં સમાવેશ કરવા કહે છે. કેમ કે, તે ઘણા પોષણથી ભરપૂર છે. જેમાં પાલક, કેલ અને લેટ્યુસ જ્યુસનો સમાવેશ કરી શકાય છે. સ્વાદ માટે તેમાં આંબળાનો રસ મેળવી શકો છો.
અજમાનો જ્યુસ: અજમામાં ઘણા સ્વાસ્થ્યપ્રદ તત્વ છે. વિટામિન એ, બી2, બી6, સી, ફોલેટ, પોટેશિયમ, મેન્ગેનીઝ ધરાવનાર અજમો ફાઈબરયુક્ત પણ છે. અજમાના પોષક તત્વો પર સંશોધન થયું છે અને પ્રમાણિત થયું છે કે, અજમો હાઈ બીપીને કંટ્રોલ કરવામાં હિતકારી છે. અજમામાં પાલક ઉમેરીને જ્યુસ બનાવી શકો છો.
ટમેટાંનો જ્યુસ: ટમેટાં દરેક ભારતીય વાનગીમાં વપરાય છે. ટમેટાં હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણાં સારા છે. તો ટમેટાંનો જ્યુસ બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. ઘરે જ તાજાં ટમેટાંનો જ્યુસ તૈયાર કરીને પીવો. એનો વધુ લાભ મેળવવો હોય તો એમાં મીઠું એટલે કે નમક નહીં નાંખવું. મીઠું નાખ્યા વગરનો જ્યુસ પીવો.
બીટનો જ્યુસ: બીટરુટમાં નાઇટ્રિક ઓક્સાઇડ હોય છે. જે બી.પી.ને કંટ્રોલ કરવામાં બહુ હિતકારક છે. તાજા બીટનો રસ લોહીના પ્રવાહમાં પણ સુધારો કરે છે.
નોંધ: ઉપર આપેલી જ્યુસની માહિતી સામાન્ય ડાયેટ માટે છે. કોઈ બીમારીના ઉપચાર માટે ડાયેટ તૈયાર કરતી વખતે પોતાના ચિકિત્સકની સલાહ લેવી.