રતન સમી આંખનું જતન કઈ રીતે કરશો?

આંખની વાત કરીએ ત્યારે આંખને દૃષ્ટિના હોય તો કેટલી વસ્તુઓ તમે ગુમાવો છો એની વાત કરવી પડે.

(1) ભણેલા હો તોપણ વાંચી કે લખી શકતા નથી.

(2) Laptop/ Mobile ઉપર કામ ના થાય.

(3) T.V/ Movies/ Web Series જોઈ ના શકાય.

(4) કુદરતના સૌંદર્ય તે મેઘધનુષ હોય કે મનોહારી વાદળીઓના રંગ, ઊગતા અને આથમતા સૂર્યનાં દર્શન, વહેતી નદી, ખળખળ કરતા ઝરણાનો ધોધ, સાગરના મોજાનું સૌંદર્ય – કશું જ જોવાય નહીં.

(5) બાળકનું હાસ્ય, વડીલોની વેદના સાંભળીને અનુભવ થાય પણ દર્શન ના થાય.

(6) મુગ્ધાનું શરમાવું, પત્નીનો ગુસ્સો —આંખ ન હોય તો ખબર ના પડે.

કેટલી કેટલી વસ્તુઓ ગણાવું. આ બધું જ તમે શા માટે ગુમાવો છો તેની ખબર છે કારણ કે તમે તમારી આંખના રતનનું જતન નથી કર્યું.

આંખના રતનનું જતન કેવી રીતે કરશો

1. સિગારેટ અને તમાકુના ગુટકાનું નિકોટીન તમારી આંખને જોવાની શક્તિ આપનાર ઓપ્ટીક Nerve (જે આંખના પડદાને મગજ સાથે જોડે છે)નો પહેલા નંબરનો શત્રુ છે. આંખ અકાળે ગુમાવવી ના હોય તો તમાકુ તાત્કાલિક બંધ કરી દો. એ જ પ્રમાણે પ્રમાણભાન વગર આલ્કોહૉલ પણ તમારી આંખને નુકસાન કરે છે તે પણ બને તો તદ્દન બંધ કરી દો.

2. આંખને બહારના વાતાવરણની અસર થાય અને તે સુકાઈ જાય નહીં માટે કુદરતે આંખને ઢાંકણ (EyeLids) આપ્યા છે અને તેને એક મિનિટમાં ૧૪થી ૨૦ વખત પટપટાવવા (Blinking) ની ક્રિયા પણ આપી છે. આંખની અંદર સતત પ્રવાહી નીકળ્યા કરે તેવી વ્યવસ્થા પણ છે. માટે જ આંખમાં કાંઈ પડે કે જાય જેવાં કે ધૂળ, ધુમાડો, બેક્ટિરિયા, રજ, વાયરસ ત્યારે આંખને ચોળશો નહીં. બે મિનિટ આંખ બંધ રાખશો. પાણીના લીધે આંખનો કચરો સામાન્ય હશે તો નીકળી જશે. આંખમાં ખૂંચવાનું ચાલુ રહે તો ડૉક્ટર પાસે તાત્કાલિક જઈને સારવાર કરાવશો.

3. જ્યારે જ્યારે બહારથી ઘેર આવો ત્યારે આંખો ઉપર પાણી છાંટશો. બ્રશ કરો ત્યારે, નાસ્તો કર્યા પછી કે જમ્યા પછી પણ મોં સાફ કરો ત્યારે આંખ ઉપર પાણી છાંટવાનું ભૂલતા નહીં. કદાચ આંખ ઉપર પાણી છાંટવામાં મૅકઅપ બગડતો હોય તો પ્લાસ્ટિકના ‘આઈ ગ્લાસ’ની મદદથી આંખને પાણીથી સાફ કરશો.

4. જ્યારે બહાર જાઓ ત્યારે અને ખાસ કરીને તડકામાં બહાર જાઓ ત્યારે કાળા ગોગલ્સ પહેરશો જેથી આંખનું UV Rays (અલ્ટ્રાવાયોલેટ કિરણો) થી રક્ષણ થાય અને આંખની આજુબાજુ કરચલી અને કૂંડાળાં ના પડે.

5. આંખના પડદા (Retina) ના કોષને તંદુરસ્ત રાખવા તેને પૂરતા પ્રમાણમાં લોહી મળે માટે હૃદય અને ફેફસાં તેમજ રક્તવાહિનીઓની ક્ષમતા વધે માટે નિયમિત ચાલવું, દોડવું તરવું, સાઈકલ ચલાવવી, પગથિયાં ચડઊતર કરવાં, દોરડાં કૂદવાની ક્રિયા જેવી કોઈ પણ કસરત તમને ગમતી હોય તે કરવી જોઈએ.

6. લોહી બરોબર પહોંચતું હોય પણ લોહીની જ ક્વૉલિટી બરાબર ના હોય એટલે કે લોહી ઓછું હોય (Anaemia) ત્યારે પણ આંખની શક્તિ ઓછી થઈ જશે. તમારે ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને આયર્ન મળે તેવું આયોજન કરવું જોઈએ જેથી એનિમિયા થાય નહીં.

7. ખોરાકમાં બીટા કેરોટીન તમને ગાજર, પપૈયુ, કોળું, ટેટી, તરબૂચ, કેરી, પીચ, રાયણ, કેળા, ગુંદાં વગેરેમાંથી મળે. આ બીટા કેરોટીન તમારા શરીરમાં વિટામિન ‘એ’ માં રૂપાંતર પામે અને વિટામિન ‘એ’ આંખને શક્તિ આપવા માટે ખાસ જરૂરનું છે.

8. જો તમે રોજ 50થી 60 ગ્રામ, પ્રોટીન મળે તેવું ખોરાકનું આયોજન કરશો એટલે કે દૂધ, દહીં, પનીર, અનાજ—કઠોળ, સોયાબીન, ઈંડા,  ફીશ, મીટમાંથી જે લઈ શકતા હો તે ખોરાક લેશો તો આંખના કોષ મજબૂત રહેશે.

9. આંખની સતત એકીટસે જોવાની ટેવ કે વાંચવામાં, લખવામાં, ટી.વી./ Laptop/ Mobile (Instagram Reels, YouTube)  જોવામાં, P.C પર કામ કરવામાં, ભરવા—ગૂંથવામાં કે ગમે તે કામમાં હોય તો તે આંખને નુકસાન કરશે.

10. જેને ARMD અથવા એજ રીલેટેડ મેક્યુલર ડીજનરેશન તરીકે ઓળખાય છે તે આંખની દૃષ્ટિ ગુમાવવાનો રોગ મોટી ઉંમરના લોકોને એજીંગ પ્રોસેસમાં એક ભાગરૂપે થાય છે. એક સફેદ કાગળ ઉપર સ્કેચ પેનથી જાડી કાળી લીટી દોરી અને રોજ તેને એક વાર જોજો. જ્યારે આ લીટી આખી દેખાવાને બદલે ટુકડા ટુકડા થઈ ગયા હોય તેમ દેખાય ત્યારે ARMDની શરૂઆત થઈ એમ માની તરત Opthalmologistની  સલાહ લેશો.

11. ગ્લુકોમા એટલે કે ઝામર થાય તે વખતે જો આંખનું પ્રેશર વધી જાય તો દૃષ્ટિ જવાનો મોટો ભય છે. આવે વખતે વિલંબ વગર ડૉક્ટરની સલાહ લઈ પ્રેશર માટેની દવાઓ ચાલુ કરાવી સલાહભરેલું છે.

ડાયાબિટીસના દર્દીઓએ Blood Sugar કાબૂમાં રાખવું સલાહભર્યું છે જેથી Diabetic Retinopathy તકલીફ થાય નહીં.

B.P.ના દર્દીઓએ પણ આ જ રીતે બી.પી.ને કાબૂમાં રાખવા બધા જ પ્રયત્ન કરવા જોઈએ જેથી ઓચિંતો અંધાપો આવે નહીં.

આટલી બધી વાતો જાણ્યા પછી તમે જો જેની કોઈ પણ કિંમત થઈ શકે નહીં તેવા અમૂલ્ય આંખના રતનનું જતન તમે ના કરો તો આજીવન અંધકારની ઊંડી ખાઈમાં પડ્યા સિવાય તમારો બીજો કોઈ આરો નથી.

આંખની કસરત

(1) જમણા હાથની દર્શનિકા આંગળી એટલે કે પોઇન્ટીંગ ફીંગર તમારી આંખના લેવલે 10 ઈંચ જેટલી દૂર રાખો. બંને આંખોથી આ આંગળીના ટેરવાને 10 સેકન્ડ માટે જુઓ. ત્યાર પછી તમારી નજર જેટલે દૂર જાય તે રીતે દૂરની વસ્તુને 10 સેકન્ડ માટે જુઓ. ફરી પાછા આંગળીના ટેરવાને જુઓ. આ પ્રમાણે નજીક દૂર જોવાની ક્રિયા ત્રણથી પાંચ મિનિટ કરો.

(2) તમારી ડોક ડાબી બાજુ વાળી તમારી આંખોથી દૂરની વસ્તુઓ (મકાનો, ઝાડ વગેરે) જુઓ. ધીરે ધીરે તમારી ડોક ડાબીથી જમણી બાજુ વાળો અને તે વખતે સતત દૂરની જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓ જોતા રહો. આ પ્રમાણેની ડાબી બાજુ જોવાની ક્રિયા ત્રણથી પાંચ મિનિટ કરો.

(3) પામીંગ : બંને હાથની આંગળી ક્રોસ કરી અને હથેળીનો ભાગ આંખો ઉપર આવે તે રીતે રાખો. આ ક્રિયા ખુરશીમાં બેસીને કરો અને તમારી બંને કોણી તમારી આગળના ટેબલ ઉપર ટેકવો. બંને હથેળીનું સાધારણ દબાણ આંખ ઉપર આવે તે રીતે બેસો—આંખો બંધ રાખવાની છે. આંખની આગળ મનથી કલ્પના કરી લીલો કે નીલો રંગ દેખાય તેમ કરો. આ રીતે ત્રણ મિનિટ માટે બેસો. જ્યારે આંખ થાકે ત્યારે આ કસરત કરો.

 

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)