પ્રશ્ન: પ્રેગ્નન્સી સમયે મારું વજન સારુંએવું વધ્યું હતું, જે હવે પાંચ મહિના થયા હોવા છતાં પણ ઘટતું નથી. આવા સમયે મારે કયા પ્રકારનું ડાયેટિંગ કરવું જોઈએ?
– ગોપી ઠક્કર (અમદાવાદ)
ઉત્તર: સૌપ્રથમ તો પ્રેગ્નન્સી સમયે વજન વધવું એ સારી બાબત છે, કારણ કે એ ગર્ભસ્થ બાળક બરાબર વિકસી રહ્યું છે એની નિશાની છે. અલબત્ત, ડિલિવરી બાદ થોડા સમયે વજન ઘટે એ પણ જરૂરી છે. ઘણી સ્ત્રીને બાળકના જન્મ પછી પણ વજન ન ઘટવાની ફરિયાદ હોય છે તો કેટલાક કિસ્સામાં સ્ત્રીનું ગર્ભાવસ્થા દરમિયાન વધેલું વજન ક્યારેય ઓછું થતું જ નથી.
શરૂઆતના મહિનાઓમાં એટલે કે ડિલિવરી પછી નવજાત શિશુને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું હોય ત્યારે ડાયેટિંગ કરવું યોગ્ય નથી, કારણ કે એનાથી બાળકને ફીડ ઓછું થવાના ચાન્સ રહેશે, પરંતુ હા, તમે વધુપડતો ચરબીયુક્ત આહાર લેતાં હો તો એ ટાળવો જરૂરી છે. આ ગાળામાં બહારનો આહાર ન લો, ખાસ તો ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ બિલકુલ ન લો એ જરૂરી છે. તમને નૉર્મલ ડિલિવરી થઈ હોય તો તમે નિયમિત એક્સરસાઈઝ તેમ જ વૉકિંગ શરૂ કરી શકો, પણ સિઝેરિયન કરાવવું પડ્યું હોય તો છ મહિના પછી ડૉક્ટરની સલાહ મુજબ હળવી કસરત શરૂ કરી શકાય. વૉકિંગ તો તમે આ સ્થિતિમાં પણ કરી જ શકશો.
એટલું નક્કી છે કે વધતા વજન પ્રત્યે જાગ્રત રહેવાની ચોક્કસ જરૂર છે, જેથી બ્રેસ્ટ ફીડ કરાવવાનું બંધ થાય એ પછી તરત જ તમે ડાયેટિંગ તેમ જ એક્સરસાઈઝ બન્નેની મદદથી તમારું યોગ્ય વજન મેળવી શકો.
પ્રશ્ન: મને ડાયાબિટીસ છે. સવાર-સાંજ મને ફ્રૂટ્સ ખાવાની આદત છે, તો ફ્રૂટ્સમાં રહેલી મીઠાશ મારું સુગર વધારી શકે?
– હંસા કતીરા (રાજકોટ)
ઉત્તર: ફ્રૂટ્સમાં રહેલી સુગર એ ફ્રૂક્ટોઝ છે, જે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ ફ્રૂટ્સ લઈ શકે, પરંતુ અમુક પ્રમાણમાં જ. જે ફ્રૂટ્સની ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછી છે એટલે કે ઓછા ગળપણવાળાં તેમ જ ઓછાં જ્યુસી ફ્રૂટ્સ થોડી માત્રામાં લઈ શકાય. ઍપલ, પેરુ, જામફળ, જાંબુ, ડ્રેગનફ્રૂટ, પપૈયા, સ્ટ્રોબેરી, બોર, વગેરે મળીને અંદાજે ૧૦૦ ગ્રામ જેટલાં ફ્રૂટ્સ લો એ હિતાવહ છે. તરબૂચ, ટેટી, કેરી જેવાં ફ્રૂટ ખાતાં હો તો એ થોડાં ઓછાં લેવાં.
વધુપડતા ગળપણ ધરાવતાં ચીકુ, સીતાફળ, દ્રાક્ષ, કેળાં જેવાં ફ્રૂટ્સનો ઉપયોગ ટાળવો અને ફ્રૂટ જ્યુસ તો બિલકુલ ન લેવાં. ફ્રૂટ્સમાં વિટામિન તેમ જ ફાઈબર્સ ઉપરાંત ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ હોય છે. તંદુરસ્તી જાળવવા માટે એ ઉપયોગી છે, પરંતુ ડાયાબિટીસમાં વધુ ફ્રૂટ લેવાય તો એ ચોક્કસ સુગર વધારે છે. ટૂંકમાં, એનું પ્રમાણભાન જાળવવું રહ્યું. મિડ મીલમાં એટલે કે સવારના નાસ્તા તેમ જ લંચની વચ્ચે અથવા તો સાંજના ડિનર પહેલાં, દિવસ દરમિયાન ફક્ત એક વખત ફ્રૂટ લેવું.
પ્રશ્ન: મારાં બાળકોને હું એમનાં ભાવતાં ભોજન આપું અને તંદુરસ્ત આહાર પણ હોય એવી ગોઠવણ કઈ રીતે કરી શકાય?
– અનિતા રાજપૂત (મુંબઈ)
ઉત્તર: બાળકોની ઉંમર તો આમ પણ ભાવતું ખાવાની તેમ જ મોજમસ્તી કરવાની છે આથી એમના આહારમાં કોઈ રોકટોક વાજબી નથી. જો કે હા, એ ચોક્કસ છે કે બાળકો આપણો પારંપરિક આહાર જ આરોગે.
આજકાલ ઈટાલિયન, ચાઈનીઝ, મેક્સિકન, થાઈ, વગેરે વરાઈટીનો ક્રેઝ ખૂબ વધ્યો છે. આવાં ફૅન્સી ફૂડની અવગણના કરવી જરૂરી નથી, પણ એમાં રિસ્ટ્રિક્શન મૂકવું જોઈએ, જેથી ટ્રેડિશનલ ફૂડનું મહત્ત્વ જળવાઈ રહે. અઠવાડિયામાં એક વખત એમને ફૅન્સી ફૂડ લેવાની છૂટ આપો એટલે કે બનાવી આપો, પણ બાકીના દિવસોમાં એ આપણો ઘરનો, ઘરની સ્ટાઈલ પ્રમાણેનો આહાર લે એવો આગ્રહ ચોક્કસ રાખવો. બહારનાં કોલ્ડ ડ્રિન્ક્સ કે ફિઝી ડ્રિન્ક્સની જગ્યાએ ઘરે જ્યુસર વસાવો અને બાળકોને જાતે જ્યૂસ બનાવીને પીવા માટે પ્રોત્સાહિત કરો, જેથી એમને નવી પ્રવૃત્તિ સાથે હેલ્ધી ડ્રિન્ક લેવાની ટેવ પડે.
પ્રશ્ન: પ્રોબાયોટિક્સ એટલે શું? એ શેમાં હોય છે? બજારમાં મળતા પ્રોબાયોટિક્સ સિવાય આપણને એ શેમાંથી મળે છે, જણાવશો?
– પ્રકાશ દવે (ભાવનગર)
ઉત્તર: પ્રોબાયોટિક્સ એ સારા પ્રકારના બૅક્ટેરિયા છે, જે આપણને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે, એમાં પણ ખાસ પેટને લગતી તકલીફોને સુધારવામાં મદદ કરે છે. આપણા શરીરમાં લાખો બૅક્ટેરિયા હોય છે, જેમાં સારા અને નુકસાનકારક બન્ને પ્રકારના છે. પ્રોબાયોટિક્સ દ્વારા ખરાબ પ્રકારના બૅક્ટેરિયાનો નાશ થાય છે આથી પ્રોબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં પ્રોબાયોટિક્સ તૈયાર મળે જ છે, પરંતુ ઘરનું બનેલું દહીં એ બેસ્ટ પ્રોબાયોટિક્સ છે. એનો ઉપયોગ છાશ કે લસ્સીના સ્વરૂપમાં પણ કરી શકાય.
પેટને લગતી તકલીફો કે ડાયેરિયા જેવી સ્થિતિમાં એટલે જ દહીંનો ઉપયોગ કરવાનું ડૉક્ટર્સ કે ડાયેટિશિયન દ્વારા સૂચવવામાં આવે છે. પ્રોબાયોટિક્સ વિટામિન-બીનું નિયમન કરવા ઉપરાંત શરીરને જરૂરી પોષણ પણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. એના ઉપયોગથી ઍસિડિટીનું જોખમ ઘટે છે. આથી જ દહીં તેમ જ છાશને ધરતી પરનું અમૃત કહેવાય છે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
