સ્ત્રી અને ગર્ભસ્થ બાળકનાં સ્વાસ્થ્ય માટે આટલું ધ્યાન રાખો…

પ્રશ્ન: મારી પુત્રીને અત્યારે પ્રેગ્નન્સીનું સેકન્ડ ટ્રાયમેસ્ટર ચાલે છે. આ સમયે ખોરાકમાં ખાસ શું ધ્યાન રાખવું? ખાસ તો આયર્ન અને હિમોગ્લોબીન વધારવા શું ધ્યાન રાખવું, કયા પ્રકારનો આહાર કેવી રીતે લેવો એ વિશે માર્ગદર્શન આપશો.

– લીના આહ્યા (અમદાવાદ)

ઉત્તર: આમ તો સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર લેવાય એ ખાસ જરૂરી છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં જ ડૉક્ટર તમને આયર્ન-ફોલિક ઍસિડની દવા શરૂ કરે છે. આ દવા ગર્ભાવસ્થાના અંત સુધી એટલે કે પ્રસૂતિ થાય ત્યાં સુધી તો લેવાની જ હોય છે. ત્રીજા મહિનાથી એટલે કે સેકન્ડ ટ્રાયમેસ્ટરમાં આયર્ન-ફોલિક ઍસિડની સાથે સાથે કૅલ્શિયમની દવા પણ શરૂ કરવામાં આવે છે, કારણ કે આ સમયે ભ્રૂણમાંથી બાળક બનવાની શરૂઆત થાય છે.

જેવી રીતે સગર્ભા સ્ત્રી દવા લે એવી જ રીતે પોષક તત્ત્વોથી ભરપૂર આહાર એટલે કે આયર્ન-ફોલિક ઍસિડ તેમ જ કૅલ્શિયમયુક્ત આહાર લેવો જરૂરી છે. આ ઉપરાંત, બાળકના ગર્ભમાં પૂર્ણત: વિકાસ માટે પ્રોટીન પણ પૂરતી માત્રામાં લેવું જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન 60થી 70 ગ્રામ જેટલું પ્રોટીન લેવાય એ જરૂરી છે, જે તમારી ટોટલ કૅલરીના વીસથી પચ્ચીસ ટકા થઈ શકે. નૉર્મલ સ્ત્રી કરતાં ગર્ભાવસ્થા દરમિયાન કૅલરીની જરૂરત પણ વધે છે.

આયર્નના સમૃદ્ધ સ્રોત એવાં લીલાં શાકભાજી, ગોળ, દાળિયા, ખજૂર, અંજીર, બાજરો, તલ, પૌંઆ, વગેરેનો આહારમાં નિયમિત ઉપયોગ આયર્ન મેળવવામાં મદદ કરશે. જો કે આયર્ન પચાવવા માટે વિટામિન સી  હોય એવો આહાર લેવાય એ જરૂરી છે. નારંગી, લીંબુ, આંબળાં, જામફળ, કેરી, સ્ટ્રોબેરી જેવાં ખટાશવાળાં ફળોમાં વિટામિન સી  સારી માત્રામાં હોય છે. એની મદદથી શરીરમાં આયર્ન બરાબર ભળી શકે છે. ચામાં રહેલું ટેનિન આ પ્રક્રિયાને અટકાવે છે એટલે આયર્નવાળા પદાર્થ ચા સાથે ન લેવાય એ જરૂરી છે.

કૅલ્શિયમ માટે દૂધ તેમ જ મિલ્ક પ્રોડક્ટ્સ ઉપરાંત બદામ, લીલાં શાકભાજી, બ્રોકોલી, વગેરે પૂરતા પ્રમાણમાં લેવાં. કૅલરીની જરૂરત પૂરી પાડવા માટે દર બે-ત્રણ કલાકે કંઈ ને કંઈ પોષણયુક્ત ખાદ્યોનો આહારમાં સમાવેશ કરવો. ફણગાવેલાં કઠોળ, રાજમા, ચણા, ઈંડાં, અમુક નૉનવેજ પ્રોડક્ટ્સ જેવા પ્રોટીનથી સમૃદ્ધ ખાદ્યોનો ઉપયોગ સવારના નાસ્તામાં અથવા બપોરના જમવામાં થાય એ હિતાવહ છે.

——————————————————————————————————

પ્રશ્ન: મેં ક્યાંક વાંચ્યું હતું કે સવારના ખાલી પેટે કેળાં ખાવાથી હૃદયને નુકસાન પહોંચે છે અને રુધિરાભિસરણ પર ખરાબ અસર પડે છે, આ વાત ખરી છે?

– પરેશ અંતાણી (રાજકોટ)

ઉત્તર: કેળાંને એનર્જીનું પાવર હાઉસ કહેવામાં આવે છે. એ ખાવાથી તરત જ એનર્જી મળે છે. આથી જ નિયમિત કસરત કરતી વ્યક્તિ તેમ જ રમતવીરો માટે પણ કેળાંનું ખૂબ મહત્ત્વ છે. પાંચથી ૧૦ મિનિટ વર્કઆઉટ કરતાં પહેલાં કેળાંનો ઉપયોગ શક્તિદાયક છે.

કેળાં પાચનને સુધારવામાં મદદ કરે છે. એમાં રેસાનું પ્રમાણ સારું છે તેમ જ એ પચવામાં હલકાં છે. ખરેખર તો કેળાંમાં અનેક જરૂરી પોષક તત્ત્વો રહેલાં છે, જે હૃદયની તંદુરસ્તી વધારે છે. અલબત્ત, અમુક તારણ સૂચવે છે કે કેળાંમાં રહેલાં પોટેશિયમ, કૅલ્શિયમ, ફાઈબર અને મૅગ્નેશિયમના સમન્વયને કારણે એ ભૂખ્યા પેટે લેવાં ન જોઈએ, કારણ કે મૅગ્નેશિયમ અને કૅલ્શિયમનું બૅલેન્સ જાળવવામાં લોહીનું પરિભ્રમણ થવામાં તકલીફ થાય છે. કેળાંમાં સારા પ્રમાણમાં રહેલા મૅગ્નેશિયમને કારણે હૃદય માટે એ નુકસાનકારક થઈ શકે છે. નિષ્ણાંતોના મત મુજબ કેળાંને ભૂખ્યા પેટે અગર લેવામાં આવે તો એ ડાયાબિટિક માટે બ્લડ સુગર વધારી શકે છે.

ભૂખ્યા પેટે કેળાં ન ખાવાનું પ્રાથમિક કારણ એક એ પણ છે કે એ પેટને લગતી તકલીફ થવાનું કારણ બની શકે છે. એમાં પેક્ટિન તરીકે ઓળખાતું એક પ્રકારનું ફાઈબર છે, જે પેટને ઍસિડિક બનાવે છે અને પાચન મંદ કરે છે, જેને કારણે પેટમાં દુખાવાની તકલીફ પણ ઊભી થઈ શકે છે.

અગર તમને આયર્ન ડેફિસિયન્સી હોય તો પણ તમારે ખાલી પેટે કેળાં ન લેવાં હિતાવહ છે, કારણ કે કેળાંમાં રહેલું પોટેશિયમ આયર્નને શરીરમાં ભળતાં અટકાવે છે. એનિમિક વ્યક્તિએ વહેલી સવારે કેળાં ન લેવાં જોઈએ.

——————————————————————————————————

પ્રશ્ન: ડાયાબિટીસમાં સુગર કન્ટ્રોલ કરવા માટે મેથીના દાણા અસરકારક છે?

– મનીષા ગંગદેવ (અમદાવાદ)

ઉત્તર: મેથી તેમ જ મેથીના દાણાનો ઉપયોગ ઈન્સ્યુલિનના સ્રાવને સુધારવામાં કે વધારવામાં મદદ કરે છે. ઈન્સ્યુલિન એ પેન્ક્રિયાઝમાં ઉત્પ્ન્ન થતો સ્રાવ છે, જેના દ્વારા શરીરમાં શર્કરાનું પાચન થાય છે. ઈન્સ્યુલિનનો સ્રાવ ઘટવાને કારણે અથવા બંધ થવાને કારણે આ ન પચેલી શર્કરા લોહીમાં ભળે છે. એથી જ આપણું બ્લડ સુગર વધે છે.

મેથીના દાણામાં સોલ્યુબલ ફાઈબર્સ રહેલા છે, જે સુગરને વધવામાં વિલંબ કરાવે છે. આ ઉપરાંત, એમાં રહેલાં ફેનુગ્રેસિન અને ટ્રિગોનેલિન નામનાં તત્ત્વો શર્કરાના પાચનમાં મદદ કરે છે. આથી જ મેથીના દાણા એ સુગરને કન્ટ્રોલ કરવા માટે અસરકારક છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)