ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ એક સામયિક ચક્ર પ્રમાણે આહાર અથવા તો ખાદ્યોને લેવાની પદ્ધતિ છે. અત્યારના સમયમાં આ પ્રકારની પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ છે. એના દ્વારા ઘણા લોકોને ફાયદા પણ જોવા મળ્યા છે, જેમ કે વજન ઓછું થવું, કૉલેસ્ટરોલ કન્ટ્રોલમાં આવવું તેમ જ સુગરનું પ્રમાણ પણ નિયંત્રણમાં રહે, વગેરે.
આ એવા પ્રકારની મેથડ છે, જેમાં તમે ફક્ત કયા પ્રકારનો આહાર લઈ રહ્યા છો એ મહત્ત્વનું નથી, પરંતુ સાથે સાથે કયા સમયે યોગ્ય ખાદ્યોનો ઉપયોગ કરો છો એ મહત્ત્વનું છે અથવા તો અસરકારક છે.
સામાન્ય રીતે આપણે રોજ ઉપવાસ કરીએ છીએ. હા, એનો સમય લગભગ રાતનો હોય છે એટલે કે જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ એ સમયે કશું ખાતા નથી. આ સમયને પણ ફાસ્ટિંગ પિરિયડ એટલે કે ભૂખ્યા રહેવું એમ ગણવામાં આવે છે અને એટલે જ સવારે લીધેલા આહારને બ્રેકફાસ્ટ એટલે કે બ્રેક યૉર ફાસ્ટ (તમારો ઉપવાસ તોડો) કહેવામાં આવે છે. કશું ખાધા-પીધા વગર લેવાની દવા પણ આ જ કારણે સવારના પહોરમાં લઈએ છીએ. આગલી રાતથી કંઈ ખાધું ન હોય એટલે ઉપવાસી પેટની રાહત હોય. ફાસ્ટિંગ અર્થાત્ ઉપવાસના આ સમયને વધારવામાં આવે તો એ તબિયત માટે સારું પરિણામ આપી શકે છે.
આ પ્રકારના ફાસ્ટિંગની મુખ્ય થિયરી એ છે કે એક વખત સરખો આહાર લેવામાં આવે ત્યાર બાદ એ પચવા માટે પણ પૂરતો સમય આપવો. આથી જ બે ભોજન વચ્ચેનો સમય તબક્કાવાર વધારવામાં આવે છે. શરીરમાં પાચન એટલે કે ડાયજેશનની પ્રક્રિયા ચાલુ હોય એ સમયે અગર ફરીથી બીજા પ્રકારનો આહાર લેવામાં આવે તો એ ચયાપચયની ક્રિયામાં તકલીફ ઊભી કરી શકે છે. આ સ્થિતિમાં ડાયાબિટિક વ્યક્તિમાં પણ ઈન્સ્યુલિન ઉત્પ્ન્ન થવામાં વધુ સમય લાગે છે, પરિણામે સુગર વધી શકે છે.
અહીં ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એમની મદદે આવી શકે છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકોને પણ એક પ્રકારે આહાર નિયંત્રણ મળી રહે છે. આ કારણસર એક રીતે ડાયટ કન્ટ્રોલ અપાવશે.
ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ માટે ઘણી બધી પદ્ધતિ પ્રચલિત છે. તમારા માટે કયા પ્રકારની વધુ અનુકૂળ છે એ તમારે નક્કી કરવાનું રહે છે. મહિનામાં બે વખત અગિયારસ કરવી અથવા તો અઠવાડિયામાં કોઈ એક વાર ઉપવાસ કરવો એ પણ એનો જ એક પ્રકાર છે, પરંતુ આ પ્રકારના ઉપવાસમાં એકદમ ઓછી કૅલરીવાળો આહાર લેવો જરૂરી છે અથવા તો ફક્ત પ્રવાહી લઈને પણ ઉપવાસ કરી શકાય, જેને બૉડી ડિટોક્સિફિકેશન પણ કહેવાય છે.
અઠવાડિયામાં બે વખત એટલે કે એકાંતરે (ઑલ્ટરનેટ) ઓછી કૅલરીવાળો આહાર લેવો એ એક પ્રકારનું ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે.
બીજા એક પ્રકારના ફાસ્ટિંગમાં તમારે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ સવારનો નાસ્તો અથવા બપોરનું કે રાતનું ભોજન છોડવાનું હોય. જો કે આ પ્રકારના ફાસ્ટિંગમાં નિયમિતતા જાળવવી જરૂરી છે. તો જ તમને ઈચ્છિત પરિણામ મળી શકે, જેમ કે તમે મંગળવારે સવારે જમવાનું નથી લેતા અને પછી શુક્રવારે પણ લંચ સમયે ભૂખ્યા રહો છો તો આ સાતત્ય જળવાઈ રહેવું જોઈએ.
સૌથી પ્રચલિત ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં 24 કલાકમાંથી 16 કલાક ભૂખ્યા રહેવું અને બાકીના આઠ કલાકમાં તમારે જે કંઈ પણ ખાવું હોય એ લઈ શકો, મતલબ કે તમે અગર રાતે આઠ વાગ્યા સુધીમાં તમારું ડિનર લઈ રહ્યા છો તો એ પછીનો આહાર તમે વળતી બપોરે 12 વાગ્યા (સોળ કલાક પછી) પછી લઈ શકો.
આ બધી પદ્ધતિ પ્રમાણે ફાસ્ટિંગ કરવાથી આશ્ર્ચર્યકારક રીતે બ્લડ સુગરના લેવલમાં ઘટાડો થાય છે. ઘણી વ્યક્તિ વજન ઘટાડવા માટે આ પ્રકારનું ફાસ્ટિંગ કરે છે, જેના દ્વારા તમે સ્વાભાવિક રીતે કૅલરીનું પ્રમાણ અંકુશમાં રાખી શકો છો. આ પદ્ધતિ સરળ પણ છે, કારણ કે એમાં શું લઈ શકાય અથવા શું ના લઈ શકાય એ બાબત વજન ઘટાડવા માટે ધ્યાનમાં રાખવી જરૂરી નથી. ફક્ત સમયાંતરે ખાદ્યોનો ઉપયોગ કરવો જરૂરી છે.
અમુક અભ્યાસના તારણ મુજબ તંદુરસ્ત અને લાંબું આયુષ્ય મેળવવા માટે પણ આ પ્રકારનું ફાસ્ટિંગ અસરકારક છે.
જેમને પાચન કે મેટાબોલિઝમને લગતી તકલીફ હોય એમને પણ આ પદ્ધતિ દ્વારા લાભ થઈ શકે છે. આ ફાસ્ટિંગમાં નિયમિતતા ખૂબ જરૂરી છે, અન્યથા એની વિપરીત અસર પણ થઈ શકે છે. એક અન્ય અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ પ્રકારનું ફાસ્ટિંગ ડાયાબિટીસ, હૃદયરોગ, કૅન્સર તેમ જ અલ્ઝાઈમર્સ ડિસીઝમાં પણ અસરકારક રહે છે. સમયસૂચકતા અને એ પ્રમાણે અંકુશમાં રહીને આહાર લેવાની પ્રક્રિયા તમને પણ ચોક્કસ લાભ અપાવશે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)